અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતી
લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર,
સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરાસિંહ જાદવનું નિધન થયું
છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની
ઊંડી લાગણી છવાઈ ગઈ છે. જોરાવરાસિંહ જાદવનું શુક્રવારે સવારે 5:00 વાગે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને
પ્રોફેસર કોલોનીમાં નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતા. થોડા દિવસથી તેમને થાઇરોઇડની સમસ્યા હોવાથી અમદાવાદની
ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એ પછી તેમને તેમના નિવાસ્થાને લાવવામાં
આવ્યા હતા. જોરાવરાસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત
કર્યું હતું. તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોકસાહિત્યને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ
મળી હતી. તેમણે લોકવાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર
આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું
હતું. તેમની જાણીતી કૃતિઓમાં 'મરદ કસુંબલ
રંગ ચડે' અને 'મરદાઈ માથા સાટે'
જેવી લોકપ્રિય વાર્તાઓનો સમાવેશ થાય છે. લોકસાહિત્યમાં તેમના યોગદાન
બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી
પારિતોષિક સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોરાવરાસિંહ જાદવે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના
કરીને અનેક ગ્રામીણ લોકકલાના કલાકારોને ઓળખ અને પ્રોત્સાહન આપીને તેમના જીવનમાં મોટું
પરિવર્તન લાવ્યા હતા. ગુજરાતી લોકસાહિત્ય જગતે તેમના અવસાનથી એક મૌલિક સર્જક,
નિષ્ઠાવાન વાર્તાકાર અને લોકપ્રેમી વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમને ભારત સરકારે 2019માં પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા
હતા. આ ઉપરાંત તેમને મેઘાણી સુવર્ણચંદ્રક(1975), ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક, એન.સી.ઈ. આર. ટી. નું પ્રથમ પારિતોષિક, ઝવેરચંદ મેઘાણી
પુરસ્કાર (2012) મળ્યા હતા.
તેમણે 100થી વધુ પુસ્તકો લખ્યાં છે.
તેમણે સંખ્યાબંધ દેશોની મુલાકાત લીધી હતી. જોરાવરાસિંહ જાદવનો જન્મ 10 જાન્યુઆરી, 1940ના રોજ ધંધુકા
તાલુકાના આકરુંદ ગામમાં થયો હતો. તેઓ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક હતા. ભારત સરકારની
નવી દિલ્હી સ્થિત સંગીત નાટ્ય અકાદમીના તેઓ વાઇસ પ્રેસિડેન્ટ હતા.