• શનિવાર, 08 નવેમ્બર, 2025

કડોલનાં રણમાં દબાણ કરનારા આરોપીઓના જામીન નકારાયા

ચોબારી, તા. 7 : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના બહુચર્ચિત કડોલનાં રણ અભયારણ્યમાં મોટા માથા અને સ્થાનિકો દ્વારા અતિક્રમણ કરાતું હોવાના અહેવાલો અવારનવાર બહાર આવે છે. નેર-અમરસર, બંધડી ગામના લોકો માટે નમકનો આ કાળો કારોબાર  શિરદર્દ સમાન બન્યો છે, ત્યારે તાજેતરમાં વન વિભાગના કર્મચારી ઉપર હુમલો કરનારા દબાણકાર બે શખ્સના જામીન કોર્ટે નકાર્યા હતા. માથાભારે તત્ત્વો મુદ્દે ગ્રામજનોએ અનેક વખત રાવ કરી હતી, પરંતુ તાજેતરમાં વન વિભાગના કર્મચારી ઉપર  દબાણકારોએ હુમલો કર્યો હતો. આ મામલે ફરજ રૂકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. આ મામલે  કડોલના દેવજી ઉર્ફે દેવા મેરામણ આહીર, નાથા દેવા રબારી અને અજાણ્યા શખ્સ સહિત ત્રણ શખ્સ સામે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે બે શખ્સને ઝડપી પાડવા હતા અને એક આરોપી હજુ સુધી ફરાર છે.આરોપીઓએ ભચાઉની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી, જેની સુનાવણી દરમ્યાન કોર્ટે બંને આરોપીની જામીન અરજી નકારી હતી.  પૂર્વ કચ્છનાં નાનાં રણમાં મીઠાના પ્લોટોના મુદ્દે ભૂતકાળમાં હત્યાનો બનાવ  તાજો જ છે, ત્યારે બેફામ બનેલા નમકમાફિયા હવે તંત્ર સામે પડે છે. કોર્ટનાં કડક વલણથી  નમકનો કાળો કારોબાર કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.  હજુ મોટાં માથાઓ આ પ્રકરણમાં બાકાત કરાયાં હોવાનું સ્થાનિકે ચર્ચાએ ઝોર પકડયું છે. જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્ર કડક રૂખ અપનાવે, તો નમકના કાળા કારોબાર ઉપર અંકુશ આવે તેવું જાણકારો જણાવી રહ્યા છે. ગેરકાયદે નમકના ધંધાથી વન્ય જીવો અને પર્યાવરણને વિપરિત અસર પડી રહી છે.  

Panchang

dd