ધોળાવીરા, તા. 7 : હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં સચવાયેલા છે અને વિશ્વ ધરોહરનો દરજ્જો અપાયો છે તેવા ધોળાવીરામાં પુરાતત્ત્વ
વિભાગ દ્વારા ગાઈડશિપ અંગે પ્રમાણપત્રનો આગ્રહ રખાતાં અનેક યુવાનોની રોજગારી
છીનવાઈ હોવાની સ્થિતિ ઊભી થઈ છે. આ મામલે વહીવટી તંત્ર દ્વારા યુવાનોના અને પ્રવાસીઓના
હિતમાં ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. ધોળાવીરાને વિશ્વ ધરોહરનો
દરજ્જો મળ્યો ત્યારથી વાગડની ભૂમિ ઉપર આવેલું
આ ઐતિહાસિક સ્થળ વિશ્વના નક્શામાં ઉભરી આવ્યું
છે અને એક પણ દિવસ એવો નહીં હોય કે હડપ્પન
સંસ્કૃતિને નિહાળવા માટે મુલાકાતીઓ ન આવ્યા
હોય. રજા અને તહેવારોના દિવસમાં પ્રતિદિન પાંચ હજાર જેટલા મુલાકાતીઓ આવતા હોય છે. દરમ્યાન, સાઈટનું સંચાલન સંભાળતા આર્કિયોલોજિકલ સર્વે
ઓફ ઈન્ડિયા દ્વારા ગાઈડશિપ માટે પ્રવાસન વિભાગના
પ્રમાણપત્રનો નિયમ અમલી કરાયો છે. તેના કારણે અનેક સ્થાનિક યુવાનોની રોજગારી છીનવાઈ
છે. ધોળાવીરા ગામમાં રહેતા અને અનેક વર્ષોથી
ગાઈડ તરીકે 35 જેટલા યુવાન
પ્રવાસીઓને માર્ગદર્શન આપતા હતા, પરંતુ
આ નિયમથી તેઓની હાલત કફોડી બની છે. પુરાતત્ત્વ વિભાગના પ્રવાસન વિભાગના મંજૂરીના નિયમથી હવે જુજ ગાઈડો
જ બચ્યા છે, જેના કારણે પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની પૂરતી માહિતી હડપ્પન સંસ્કૃતિ વિશે
મળતી ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. સ્થાનિક માર્ગદર્શકોએ જણાવ્યું હતું કે,
લાંબા સમયથી પ્રવાસીઓને ધોળાવીરાના ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી આપી રહ્યા છે. લાંબા સમયથી
આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે સ્થાનિક માર્ગદર્શક દ્વારા પુરાતત્ત્વ વિભાગના દિલ્હી સ્થિત અધીક્ષક સમક્ષ
ધા નાખવામાં આવી છે. સ્થાનિક સી.એ. અધિકારી દ્વારા માન્યતાના મુદ્દે સ્થાનિક યુવાનોને
ગાઈડશિપ માટે મંજૂરી અપાતી નથી. સ્થાનિક યુવાનોની ચાર મહિના સુધી જ રોજગારી રહે છે
જ્યારે આઠ મહિના અન્ય કોઈ મહાનગરમાં સ્થળાંતર
કરાય છે અથવા ગામમાં ખેતીની કામગીરી કરાય છે. સ્થાનિક યુવાનો નિયમોનું પાલન કરવા કટિબદ્ધ છે,
પરંતુ જ્યાં સુધી પ્રવાસન વિભાગ
દ્વારા માન્યતા ન અપાય ત્યાં સુધી ઘટતી કાર્યવાહી કરવા અધીક્ષકને અનુરોધ કરાયો છે.