ભુજ, તા. 3 : કચ્છી નવું વર્ષ આષાઢી બીજના
અવસરે કચ્છી ઓસવાળ જૈન એસોસિયેશન (કો જૈના)ના સભ્યોએ અમેરિકા, કેનેડા અને યુ.કે.માં 14 અલગ-અલગ સ્થળે વોકેથોનનું આયોજન
કરી કચ્છીયતની મહેક પ્રસરાવી હતી. આ વોકેથોનના માધ્યમથી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો
સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જેલસ, સિએટલ, બોસ્ટન,
ન્યૂયોર્ક, સન્ની ફિનિક્સ, ડલ્લાસ, ટેમ્પસા, કેન્ટકી,
મેરીલેન્ડ, ન્યૂજર્સી, વેનકુંવર,
કેનેડા અને લંડનના સભ્યો આ વિશિષ્ઠ કહી શકાય તેવી ઉજવણીમાં જોડાયા હતા.દરિયાકિનારા,
તળાવ, ઉદ્યાન જેવા સ્થળોએ વોકેથોન યોજી, જેમાં જોડાયેલા લોકોએ
કચ્છી ગીતો ગાવા સાથે વિવિધ રમત રમવાની મોજ માણી હતી.બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન
અને કો જૈનાના ભૂતપૂર્વ પ્રમુખ વિજયભાઇ છેડાએ વિશેષ ઉપસ્થિત રહી આયોજનમાં પોતાનો સહયોગ
આપ્યો હતો. કો જૈનાના પ્રમુખ ભાવિની ગડા અને મંત્રી ડિમ્પલ દેઢિયાના નેતૃત્વ હેઠળ વિવિધ
ક્ષેત્રના રિજિયોનલ ડિરેક્ટર અને સ્વયંસેવકોના સહયોગથી બહુશહેરી વોકેથોનના આયોજનને
પાર પાડયું હતું. બાળકોથી લઇ આબાલવૃદ્ધ સૌ કોઇની સાથે કો જૈનામાં જોડાયેલા સભ્યોએ આયોજનમાં
જોડાઇ કચ્છી પેડા સહિતની સ્વાદિષ્ટ મીઠાઇઓની લિજ્જત માણી હતી.