• શુક્રવાર, 04 જુલાઈ, 2025

સાધના, આરાધના સાથે માનવતાનાં મૂલ્યોનું આચરણ એ જ ચાતુર્માસનો ઉદ્દેશ

ભુજ, તા. 3 : ચાતુર્માસ દરમ્યાન સાધના, આરાધના અને માનવતાનાં મૂલ્યોમાં વૃદ્ધિ કરવા અને આચાર, વિચાર તેમજ આચરણને એક જ દિશામાં પ્રવાહિત કરવાના મુખ્ય ઉપદેશ સાથે અહીંના લીંબડી અજરામર સંપ્રદાયના છ કોટિ જૈન સંઘ કેસરબાઇ જૈન ભવન ખાતે ઐતિહાસિક એવા 100 વર્ષમાં પ્રથમવાર ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી મહારાજનો ચાતુર્માસ પ્રવેશ ચતુર્વિધ સંઘની હાજરીમાં થયો હતો. ભુજમાં ટાઉનહોલ ખાતે ધર્મમય વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં વિમલચંદ્રજી, ડો. ચિંતન મુનિ, વિવેક મુનિ, મહાસતીજી ઉર્વિશાજી, પીયૂષાજી તેમજ આઠ કોટિ મોટી પક્ષના દિનેશ મુનિ મ.સા. સહિત 45 સાધુ-સાધ્વીએ મંગલાચરણ કરાવી આશીર્વચન પાઠવ્યા હતા તેમજ સંપ્રદાયના ભાવિ પ્રકલ્પોની રૂપરેખા આપી `ગુરુપૂર્ણિમા મહોત્સવ' સહિતના આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. સંચાલન સમિતિના જિજ્ઞેશ શાહ તથા જગદીશભાઇ મહેતાએ સ્વાગત પ્રવચનો દ્વારા ગુરુગુણ ગરિમા વર્ણવી હતી. ચાતુર્માસની તપશ્ચર્યા-આરાધના સહિતની સંપૂર્ણ સાધર્મિક ભક્તિના દાતા  ધરિત્રીબેન ધીરેન શાહે - શાહ દંપતીને ચાતુર્માસ માટેના ભાવો તેમની પુત્રી સહેલીની તત્પરતા તથા પરિવારને થયેલ પ્રસન્નતાની અનુભૂતિ રજૂ કરી હતી. સવારે નવકારશી તથા બપોરે સમસ્ત જૈન સમાજ માટે સ્વામીવાત્સલ્યનો લાભ પણ દાતા પરિવાર ધરિત્રી ધીરેન શાહે લીધો હતો. સૂત્રપોથી વહોરાવવાનો લાભ માતા પુંજીબેન હરધોર કારિયા તથા માતા વિશ્વાબેન લક્ષ્મીચંદ શાહ, રૂપા જિજ્ઞેશ શાહ દ્વારા લેવાયો હતો. પ્રથમ ગોચરી વહોરાવવાનો લાભ કમળાબેન શશિકાંત મોરબિયા, મનીષભાઇ તથા ચાતુર્માસ સૂચિ વિતરણનો લાભ મયૂરભાઇ કારિયાએ લીધો હતો. `નૂતન ભાવ પ્રવેશદ્વાર'ના સૌજન્ય દાતા માટે 26 નામો નોંધાયાં હતાં. જૈન ભવનના નૂતનીકરણ માટેના સાત આર્થિક દાતાનું સન્માન કરાયું હતું. અતિથિવિશેષ પદે રહેલા ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, લીંબડી અજરામર સંપ્રદાયના પ્રમુખ પ્રતીકભાઇ શેઠ, મનીષભાઇ મોરબિયા, ભુજ છ કોટિ સંઘના પ્રમુખ ધીરજભાઇ દોશી સહિતે વક્તવ્ય આપ્યા હતા. અજરામર કંકુ મહિલા મંડળ, દાતા પરિવાર, જૈન ભવન પાઠશાળાના બાળકોએ ગુરુવંદનાની પ્રસ્તુતિ કરી હતી. સંચાલન સંજય શાહે તથા આભારવિધિ શીતલ શાહે કર્યા હતા. જૈન ભવન સંચાલન સમિતિના પ્રફુલ્લ દોશી, શીતલ શાહ, વસંત ખંડોલ, નરેશ મહેતા, દેવેન દોશી, વનેચંદ મેતા, જયેશ શાહ, ધીરેન શાહ, હાર્દિક મહેતા, નરેન્દ્ર ખંડોલ, હિરેન દોશી, રૂપા શાહ, મનીષા મહેતા, દર્શના મોરબિયા, લતાબેન દોશી સહિતનાએ જહેમત લીધી હતી. પંકજભાઇ મહેતા, સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી, અમરશી હરધોર કારિયા, મુકેશભાઇ ઝવેરી, વાડીલાલ સાવલા, દિલીપ શાહ, ભોગીલાલ મહેતા, દિનેશ સાવલા, પુનિત શાહ, હિતેષ ખંડોલ, ભરત ડેલીવાલા, વિનોદભાઇ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd