• શુક્રવાર, 04 જુલાઈ, 2025

માટુંગાની ગલીઓને `ફેરિયામુક્ત' કરવાની ઝુંબેશ રંગ લાવી

કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 3 : માટુંગા (સેન્ટ્રલ)ની સાંકડી ગલીઓમાં હાથગાડી લઈને ઊભા રહેતા ફેરિયાઓનું અતિક્રમણ દૂર કરવા બે યુવાને શરૂ કરેલી ઝુંબેશ આખરે સફળ થઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી ફેરિયાઓ હટાવવાની ઝુંબેશ આ બે યુવાનો કુણાલ શાહ અને પરેશ ભણશાલીએ ઉપાડી છે. કુણાલ શાહે કહ્યું કે, અમારો જન્મ માટુંગામાં થયો છે. અમને માટુંગા પર પ્રેમ છે. માટુંગાની ગલીઓમાં હાથગાડી પર ફળ, શાકભાજી વેચવાવાળાની સંખ્યા ખૂબ વધી ગઈ હતી. જેમને દૂર કરવા ખૂબ મહેનત કરી, જેમાં આખરે સફળતા મળી છે અને 95 ટકા ફેરિયા માટુંગા છોડી ગયા છે. એમણે કહ્યું કે, ગેરકાયદેસર રીતે વ્યવસાય કરતા હાથગાડીવાળા પોતાનું સ્થાન છોડવા તૈયાર ન હતા. ઉપર હપ્તા આપીએ છીએ એમ પણ કહેતા. અમને ધમકી આપતા અને કહેતા, અમને કોઈ હટાવી નહીં શકે. આ લોકોએ અમને સ્થાનિક વગનો ઉપયોગ કરીને અમારા પર દબાણ લાવવાની કોશિશ પણ કરી હતી. કુણાલ શાહે કહ્યું કે, અમે પોતે ધંધાર્થી છીએ છતાં સમય કાઢીને માટુંગાને સાફસૂથરું રાખવા પ્રયાસ કરીએ છીએ. માટુંગામાં 40-50 ફેરિયા હતા, જેમાંથી 95 ટકાને હટાવી શક્યા છીએ. લોકોને અમે વિનંતી કરીએ છીએ કે, આ ફેરિયાઓ પાસેથી ખરીદી ન કરો. એમને પ્રોત્સાહન નહીં આપો. લોકોમાં જાગૃતિ લાવવા ત્રીસ હજારથી વધુ પરિપત્ર વહેંચ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ કર્યો છે.એમણે કહ્યું કે, અમે બન્ને કોઈ પણ રાજકીય સહાય વગર સ્વયંભૂ રીતે આ કાર્ય કરી રહ્યા છીએ. માટુંગામાં ગેરકાયદે ચાલતી ખાણીપીણીની લારીઓને હટાવવાની અમારી ઝુંબેશ ચાલુ છે. માટુંગામાં અતિક્રમણને અટકાવવાની કોશિશ કરીએ છીએ. અમારી કોશિશના ભાગરૂપે પોલીસતંત્ર, મહાપાલિકા, વોર્ડ ઓફિસર, મંત્રાલય સુધી લેખિત રજૂઆતો કરી છે. અમે મહેનત કરીએ છીએ તેનું પરિણામ પણ સારું મળ્યું છે તેથી માટુંગાના લોકો ખુશ છે, હવે પ્રશાસનનો પૂરતો સહયોગ મળે તેવી આશા છે. 

Panchang

dd