• શનિવાર, 27 જુલાઈ, 2024

નર્મદાનીરની પધરામણી પૂર્વે પાવરપટ્ટીના ડેમ માવજત ઝંખે છે

બાબુ માતંગ દ્વારા: નિરોણા (પાવરપટ્ટી), તા. 10 : કચ્છના મોટા રણને સમાંતર પથરાયેલા પાવરપટ્ટી વિસ્તાર માટે રૂદ્રમાતા, કાયલા, નિરોણા અને ભૂખીડેમ અનેક ગામોની જીવાદોરી ગણાય છે. અનિયમિત વરસાદના કારણે આડબંધો સાથે સંકળાયેલી સિંચાઇ સુવિધા મોટાભાગે ઠપ બને છે. જેને લઇ પાવરવાળો ગણાતો વિસ્તાર ઝડપભેર ઉજ્જડ થઇ વેરાન ભાસી રહ્યો હતો. પંથકના ગયા દિવસો પાછા વળે તે માટે એક માત્ર વિકલ્પ ડેમોમાં નર્મદાના નીરની પધરામણીનો હતો. પંથકના એક સીધી લિટીમાં પથરાયેલા ચારે ડેમને જીવંત રાખવા તેમાં નર્મદાના નીરથી ભરવાની યોજના સાકાર બનતાં લોકોમાં અનેરો ઉત્સાહ છે. ડેમો સુધી તોતિંગ પોલાદી પાઇપ પાથરવાની કામગીરી ઝડપી બની છે. ત્યારે છથી સાત દાયકા જૂના ડેમો અને તેને સંલગ્ન સિંચાઇ વ્યવસ્થામાં જરૂરી માવજત કરવાની માંગ ઊઠી છે. પાવરપટ્ટીનો ભૂપૃષ્ઠ ભારે વિશિષ્ટતા ધરાવે છે. જળ સંચયની પ્રવૃત્તિ માટે અતિ અનુકૂળ છે. જેને લઇ આજથી -સાત દાયકા અગાઉ રૂદ્રમાતા જાગીરની પછીતમાં રૂદ્રમાતા ડેમ, ઝુરાથી દક્ષિણ પશ્ચિમે ભખરિયા નજીક કાયલા ડેમ, નખત્રાણા તાલુકાના ઓરીરા ગામને અડીને નિરોણા ડેમ તથા દેવીસર પાસે ધીણોધર ડુંગરોની વચ્ચે ભૂખી ડેમનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી શરૂઆતના વર્ષોમાં પૂર્વે કુનરિયા-ઢોરીથી માંડી પશ્ચિમે દેવીસર સુધીના વિસ્તારની 35 હજાર એકર જમીનમાં સિંચાઇની સુવિધા ઊભી થઈ હતી. પૈકી 39 ફૂટ પાણીની ઊંચી સપાટીએ છલકાતા રુદ્રમાતા ડેમ હેઠળ લાભાન્વિત કુનરિયા, નોખાણિયા, સુમરાસર (શેખ), ઢોરી, લોરિયાના ખેડૂત ખાતેદારોની 13,500 એકર, ઝુરા ગામની 8 કિ.મી. દક્ષિણે ભખરિયા નજીક 1964માં નિર્માણ પામેલા કાયલા ડેમની જળ સંગ્રહ શક્તિ 311 એમ.સી.એફ.ટી. હતી, જે જળ જથ્થાથી ઝુરા, જતવાંઢ, લોરિયા, પાલનપુરના સીમાડાની 2400 એકર જમીનને પિયતને સુવિધા મળતી હતી. જ્યારે કચ્છમાં મધ્યમ સિંચાઇ યોજના હેઠળ ત્રીજા ક્રમે આવતા નિરોણા ડેમ 811/17 એમ.સી.એફ.ટી. પાણીની સંગ્રહ શક્તિ ધરાવે છે, જે નિરોણા, પાલનપુર, બિબ્બર, વેડહાર, અમૃત ફાર્મ, અમરગઢ, હરિપુર, લક્ષ્મી ફાર્મ, ઓરીરાની 6500 એકર જમીનમાં પિયતની સુવિધા મળતી, જ્યારે ધીણોધર ડુંગરની દક્ષિણે આવેલા ભૂખી ડેમમાં 514.98 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો એકત્ર થતો જે વંગ, ડાડોર અને ગોધિયાર ગામોની 3500 એકર જમીન પિયત થતી હતી. એકબાજુ વિસ્તારમાં ભૂતળ ઊંડે ઊતરી ક્ષારયુક્ત બન્યા, તો બીજીબાજુ આડબંધોમાં જળસંગ્રહ શક્તિ ઘટી. સિંચાઇ સુવિધા પણ બેઅસર બની, જેને લઇ પંથકના અનેક ગામોના ખેડૂતો હિજરત કરી જતાં અનેક ગામો ખાલી થયા હતા. વિસ્તારના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ વિસ્તારના અસ્તિત્વને ટકાવી રાખવા જીવાદોરી સમાન આડબંધો નર્મદાના નીરથી ભરવા લાંબા સમયથી સરકાર પાસે માગણી કરી હતી. આખરે રાજ્ય સરકારે પણ માગણીને ગ્રાહ્ય રાખી વિસ્તારના ચારે ડેમમાં નર્મદાના વધારાના પાણી ભરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેની અમલવારી થતાં પંથકના ચારેય ડેમ સુધી તોતિંગ પોલાદી પાઇપલાઇન પાથરવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે. લોકોમાં પણ ભારે આનંદ અને ઉત્સાહ છે, સાથે નર્મદાના નીરને ડેમોમાં ઠાલવતાં પહેલાં દાયકાઓ જૂના ડેમ અને તેની સંલગ્ન સિંચાઇ વ્યવસ્થામાં યોગ્ય માવજત કરી અનેક ઉણપો દૂર કરવાની માંગ પંથકમાં ઊઠી છે. વિસ્તારના અગ્રણીઓ દામજીભાઈ ચાડ (સુમરાસર), કે. કે. જાડેજા (ઝુરા), હઠુભા જાડેજા (લોરિયા), ડાયાભાઈ પાચાણી (પાલનપુર), વાલજીભાઈ આહિર (નિરોણા), ગજુભા જાડેજા (બિબ્બર) અને મોહન વેલજીભાઈ આહીર (વંગ)ના જણાવ્યા મુજબ વિસ્તારના ડેમો પછવાડાના આવકના સ્રાવ વિસ્તાર ખૂબ લાંબા હોઈ સારા વરસાદ બાદ ડેમોમાં ઠલવતાં પાણીના જથ્થા સાથે મોટા પ્રમાણ રેતી, કાંપ અને અન્ય કચરો ઢસડાઈ ડેમોના તળીયે જમા થાય છે. દાયકાઓ બાદ આવા કાંપના મોટા થરથી ડેમના તળિયા દટાઈ ગયા છે. જેને લઈ પાણીની સંગ્રહશક્તિ 30થી 35 ટકા ઘટી જવા પામી છે. નર્મદાના પાણીના પગરણ પહેલાં ડેમોના તળિયામાંથી કાંપના મોટા થરો દૂર કરવામાં આવે, તો જળ સંગ્રહશક્તિમાં મોટો વધારો થઈ શકે છે. પંથકના ચારેય ડેમમાંથી પાણીનું વહન કરતી લગભગ 87 કિ.મી. લંબાઈની કાચી-પાકી કેનાલો ઉત્તરે ઠેઠ રણ પંથક સુધી પથરાઈ સિંચાઈની સુવિધા આપે છે. -સાત દાયકા પુરાણી કેનાલો હાલ ભારે જર્જરિત થઈ ખખડધજ બની છે. જેને લઈ પાલર પાણીનો બગાડ મોટાપાયે થાય છે. અગ્રણીઓના કહેવા પ્રમાણે લિફ્ટ એરિગેશન પદ્ધતિ અનુરૂપ તમામ કેનાલોનું નવીનીકરણ કરવામાં આવે, તે અતિ જરૂરી છે. ઉપરાંત ડેમોના લોખંડી દરવાજા ઉપરાંત કેનાલો વચ્ચે આવતા ધોરિયાના નાના-મોટા દરવાજા વર્ષો જૂની પદ્ધતિથી ઊભા કરાયા છે, જેમાં વારંવાર ખોટીપાને લીધે સિંચાઈની મોસમમાં મોટી ખલેલ ઊભી થતાં કિસાનો ભારે પરેશાન બને છે. જેથી અદ્યતન ટેક્નોલોજી સાથે સાંકળી પાણી નિકાલની પણ સુવિધા ઊભી કરવામાં આવે, તેવું અગ્રણીઓ કહે છે. ઝુરાના કાયલા ડેમમાંથી સંગ્રહ થયેલું પાલર પાણી દરવાજામાંથી નીકળી કેનાલમાં ઠાલવવાને બદલે ચારથી પાંચ કિમી સુધી નદીના ખુલ્લા રેતાળ પટ્ટમાંથી વહેડાવ્યા પછી ઊભા કરાયેલા ટાંકામાં એકત્ર થઈ કેનાલો વાટે સીમાડામાં પહોંચે છે. વર્ષોથી પદ્ધતિથી ચાલતી સિંચાઈને લઈ 25થી 30 ટકા પાણી નદી પટ્ટમાં ચૂસાઈ જતાં મોટો જળ જથ્થો બરબાદ થાય છે. હવે જ્યારે નર્મદાના નીર ડેમમાં પગરણ કરી રહ્યા છે, ત્યારે સિંચાઈ વિભાગ આળસ ખંખેરી વ્યવસ્થામાં સુધારો કરે તેવી લોક માંગ ઊઠી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang