નવી દિલ્હી, તા. 16 : લોકશાહીમાં
વિરોધ પ્રદર્શનના અધિકાર અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે ઊઠેલા સવાલો વચ્ચે
આજે લહેરા દો તિરંગા અભિયાન નામે દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં, તો બીજી તરફ પોલીસે 1પ0થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. જંતરમંતરને પ્રદર્શન સ્થળની
યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા બાદ ત્યાં જઈને સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ તિરંગો ફરકાવતાં
થયેલી ધરપકડના વિરોધમાં આજે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે તિરંગા કૂચ પહેલાં જ કોકરોચ જનતા
પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકે અને ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસીએશન (આઈસા)ના
અધ્યક્ષ નેહા બોરાને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં, જેને પગલે દેશની રાજનીતિમાં પણ ભારે ગરમાટો
આવી ગયો હતો. વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સામે સવાલો દાગવામાં આવ્યા હતા કે,
ભારત દેશમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા કોઈને કેવી રીતે અટકાવી શકાય?
દિલ્હીમાં આ અભિયાન દરમિયાન આશરે 150 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં
આવી હતી. જો કે, આ આંકડાની દિલ્હી પોલીસ
તરફથી અંતિમ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. અનેક સ્થાને પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે
ઘર્ષણ પણ થયા હતા. પોલીસે દેખાવકારોને આગળ વધતા રોકવા માટે બળપ્રયોગ કર્યો હોવાના અહેવાલો
પણ આવ્યા હતા. કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં સાંજે પાંચ વાગ્યે તિરંગા માર્ચ યોજાવાની
હતી, પણ વહીવટી તંત્ર દ્વારા સ્થળ બંધ રાખવાના નિર્ણય અને પોલીસના
પ્રતિબંધોને કારણે કાર્યક્રમ પહેલાં જ તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. તેમ છતાં,
રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને મોટી સંખ્યામાં લોકો કનોટ પ્લેસ વિસ્તારમાં
એકત્ર થયા હતા. આંદોલનકારીઓની મુખ્ય માગણીઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનું
રાજીનામું, મતદારયાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયામાં કથિત
અનિયમિતતાઓની તપાસ અને અગાઉ અટકાયતમાં લેવાયેલા સીજેપીના નેતાઓની મુક્તિનો સમાવેશ થાય છે. દિલ્હીમાં પ્રસ્તાવિત તિરંગા માર્ચ
પહેલાં પોલીસે અભિજિત દીપકેને તેમનાં રોકાણસ્થળેથી અટકાયતમાં લીધા હતા. તેઓ કનોટ પ્લેસ
ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. બીજી તરફ, આઈસાનાં અધ્યક્ષ નેહા બોરાને મંડી હાઉસ વિસ્તારમાં અટકાયતમાં લેવામાં આવ્યાં
હતાં. તેઓ અન્ય કાર્યકરો સાથે કનોટ પ્લેસ તરફ આગળ વધી રહ્યાં હતાં. તેમના સંગઠને આરોપ
લગાવ્યો હતો કે, અટકાયત બાદ તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યાં
હતાં. શુક્રવારની કાર્યવાહી દરમિયાન દિલ્હીમાં
આશરે 150 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં
આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 25,000થી વધુ પોલીસ તથા અર્ધલશ્કરી
દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. કનોટ પ્લેસ અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનની આસપાસ
બેરિકાડિંગ કરવામાં આવ્યું હતું. પટનામાં પણ
પોલીસ બેરિકાડિંગ સામે આગળ વધવાનો પ્રયાસ કરતા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કીની
સ્થિતિ સર્જાઈ હતી. આ પ્રદર્શનો દરમિયાન ઘાયલ થયેલા લોકોની પ્રમાણિત સંખ્યા પણ સ્પષ્ટ
નથી. મુંબઈમાં સીજેપીના સમર્થકોએ આઝાદ મેદાન ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. મુંબઈ
પોલીસે નિર્ધારિત સમય અને શરતો હેઠળ પ્રદર્શનની મંજૂરી આપી હતી. વધુમાં વધુ 5,000 લોકોને સામેલ થવાની મંજૂરીનો
ઉલ્લેખ છે. જો કે, આ મંજૂર ક્ષમતા
હતી, વાસ્તવમાં કેટલા લોકો હાજર રહ્યા તેનો પ્રમાણિત આંકડો નથી.