નવી દિલ્હી, તા. 19 : યુક્રેનના
ખતરનાક ડ્રોન હુમલાનો જવાબ 24 કલાકની અંદર
જ રશિયાએ બેલિસ્ટિક મિસાઇલોથી આપ્યો હતો. આજે આશરે પાંચેક કલાક સુધી ચાલેલા આ ભીષણ
હવાઈ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું
છે અને 16 અન્ય ઘાયલ થયા હતાં. રશિયાનાં
આ ઘાતક હુમલાનાં કારણે યુક્રેનની રાજધાની કીવમાં અનેક જગ્યાએ આગ ભભૂકી હતી અને ઈમારતોને
પણ ભારે નુકસાન થયું હતું. યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાને
અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયામાં તબાહીની તસવીરો
પણ જારી કરી હતી અને જણાવ્યું હતું કે, રશિયાએ કીવમાં અલગ-અલગ પ્રકારને 40 મિસાઈલો અને 120 ડ્રોન દાગ્યા હતા. જાણવા મળતી વિગતો અનુસાર રશિયાએ કીવમાં 40 ઈસ્કંદર-એમ અને હાઇપર સોનિક
જિરકોન મિસાઇલોનો મારો ચલાવ્યો હતો. શનિવારની મોડી રાતે રશિયાનું આ આક્રમણ શરૂ થતાં
જ કીવમાં હવાઈ રક્ષા સિસ્ટમો સક્રિય બની ગઈ હતી. થોડી જ મિનિટોમાં આખું કીવ વિસ્ફોટોથી
ધણધણી ઉઠયું હતું. આ હુમલામાં કીવનાં પાંચ વિસ્તારોમાં મોટી આગ લાગી હતી. જેમાં અનેક
રહેણાક ઈમારતો, કાર્યાલય ભવન, ઔદ્યોગિક એકમો, છાત્રાલયો અને સંખ્યાબંધ વાહનો પણ ક્ષતિગ્રસ્ત
થઈ ગયા હતાં.