• બુધવાર, 22 જુલાઈ, 2026

મધ્ય-પૂર્વમાં મોટાં યુદ્ધની દહેશત

નવી દિલ્હી, તા. 19 : અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધીમાં શાંતિની વાટાઘાટો માટે થયેલી તમામ સમજૂતીઓ ભાંગી ગઈ છે અને સતત સાત દિવસથી અમેરિકાએ ઈરાનમાં ભીષણ હુમલા ચાલુ રાખ્યા છે, જેની સામે ઈરાને પણ પાડોશી ખાડી દેશોમાં અમેરિકાનાં હિતોને નિશાન બનાવીને પ્રચંડ પ્રહારો કર્યા છે. આવી જ કાર્યવાહીમાં જોર્ડનમાં ઈરાને કરેલા ભીષણ હુમલામાં બે અમેરિકી જવાનો મરાયા છે અને એક હજી લાપતા છે. સૈનિકોનાં મૃત્યુ પછી અમેરિકા હવે હુમલા વધુ તીવ્ર બનાવે તેવી પૂરી સંભાવના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સૈનિકોના મૃત્યુ ઉપર દુ:ખ પ્રગટ કરીને હુંકાર કર્યો હતો કે, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો તો રાખવા દેવાશે નહીં. અમેરિકાએ 50,000થી વધુ સૈનિકોને હાઇએલર્ટ પર રાખ્યા છે. જર્મનીથી એફ-16 અને બ્રિટનથી એફ-35 સ્ટિલ્થ યુદ્ધવિમાન ઇઝરાયલ તેમજ અન્ય અમેરિકી મિત્ર દેશોના સૈન્ય મથકો પર આવી રહ્યા છે, ત્યારે મોટાં યુદ્ધની દહેશત છે. અમેરિકાએ હવે ઈરાનમાં સૈન્ય માળખાં ઉપરાંત નાગરિક સુવિધાઓને પણ નિશાન બનાવવા માંડયા છે, જેમાં પુલ, રોડ, વીજમથકો અને પાણીના પ્લાન્ટ સહિતનો સમાવેશ થાય છે. દરમિયાન ઈરાને આજે પુષ્ટિ કરી હતી કે, અમેરિકાએ દક્ષિણ-પશ્ચિમમાં નિર્માણ પામી રહેલા એક પરમાણુ વીજમથક ઉપર હુમલો કર્યો છે. જવાબમાં ઈરાને કુવૈત, બહેરીન, જોર્ડન અને સાઉદી અરબમાં અમેરિકી ઠેકાણાઓ ઉપર પ્રહારો ચાલુ રાખ્યા છે. જોર્ડનમાં અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકોને ખતરો ધ્યાને રાખીને એરપોર્ટ અને સીપોર્ટ નહીં જવાની ચેતવણી પણ આપી હતી. દરમિયાન ઈરાનના એક ટોચના કમાન્ડરે અમેરિકાને ધમકી આપી હતી કે, કોઈ પણ પ્રકારનું આક્રમણ કે ક્રૂરતાને નિર્ણાયક અને સજ્જડ જવાબ આપવામાં આવશે. આ ઘટનાક્રમોના આધારે એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે, શાંતિ વાટાઘાટની આડમાં બન્ને પક્ષે પૂર્ણ સ્તરનાં યુદ્ધની તૈયારીઓ કરી લીધી છે અને હવે આવનારા દિવસોમાં શાંતિની કોઈ આશા દેખાતી નથી. 

Panchang

dd