• બુધવાર, 22 જુલાઈ, 2026

વાંગચૂકને દિલ્હી હાઇકોર્ટનો ઝટકો

નવી દિલ્હી, તા. 19 : નીટ પરીક્ષા પેપર લીકના વિરોધમાં દિલ્હીના જંતરમંતર પર ધરણા આપી રહેલા સોનમ વાંગચૂકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના આંદોલનના ભાવિને લઇ ચર્ચા વચ્ચે દિલ્હી હાઇકોર્ટે વાંગચૂકને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહીને સરકારની મનમાની કાર્યવાહી ગણવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ સીજેપી દ્વારા આવતીકાલની પ્રસ્તાવિત `ચલો સંસદ' કૂચને મંજૂરી ન અપાઇ હોવાનું પોલીસે જણાવી આજે રાત સુધીમાં જંતરમંતર ખાલી કરવાનો આદેશ આપતાં સીજેપી-પોલીસ વચ્ચે ઘર્ષણની સંભાવના સર્જાઇ છે. આવતીકાલની કૂચને ધ્યાને રાખતાં દિલ્હી પોલીસે વધારાના જવાન ખડક્યા છે. દિલ્હી હાઇકોર્ટે વાંગચૂકને સફદરજંગ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવા કરેલી અરજીની સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, સરકારની વાંગચૂકને ખસેડવાની કાર્યવાહીને મનમાની માની શકાય નહીં. વાંગચૂકને માત્ર એ જ દવાઓ આપવામાં આવી રહી છે, જેમાં તેમની મંજૂરી છે. આ સાથે કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારની સાથે જ પોલીસને પણ ત્રણ દિવસમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ સોનમ વાંગચૂકે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 20મી જુલાઇના આઝાદીનું બીજું આંદોલન થશે. ભયમુક્ત ભારત, અન્યાય મુક્ત ભારત, દરમ્યાન, વાંગચૂકના પત્ની ગીતાંજલિ આંગમોએ આરોપ લગાવ્યો હતો કે, સફદરજંગ હોસ્પિટલના તબીબો અમને નિયમિત સ્વાસ્થ્ય રિપોર્ટ આપી રહ્યા નથી. આવતીકાલે સીજેપી અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ શકે છે. કેમ કે, દિલ્હી પોલીસે પ્રસ્તાવિત સંસદ કૂચ અંગે સ્પકષ્ટીકરણ બહાર પાડીને જણાવ્યું હતું કે, સીજેપી તરફથી આ કૂચ અંગે કોઇ પણ અનુમતિ માગવામાં આવી નથી કે પોલીસ તરફથી કોઇ મંજૂરી આપવામાં પણ આવી નથી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, સંબંધિત ક્ષેત્રમાં બીએનએસએસની કલમ 163 હેઠળ નિષેધાજ્ઞા પહેલેથી લાગુ હોવાથી પૂર્વ મંજૂરી વિના કોઇ પણ દેખાવ કે કૂચ હાથ ધરી શકાય નહીં. કોકરોચ જનતા પાર્ટીના પ્રસ્તાવિત `ચલો સંસદ' માર્ચ પહેલાં રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. જંતરમંતર સંસદ માર્ગ, સેન્ટ્રલ વિસ્ટા, કનોટ પ્લેસ, શંકર ચોક અને અન્ય સંવેદનશીલ વિસ્તારોને ઉચ્ચ સુરક્ષા ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાનો તાત્કાલિક સામનો કરવા માટે આ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ તૈનાત, 24 કલાક દેખરેખ અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી દિલ્હી, મધ્ય દિલ્હી અને ઉત્તર દિલ્હીમાં પ્રેવશતા અનેક મુખ્ય પ્રવેશદ્વારો પર બેરિકોડ લગાવવામાં આવ્યા છે. રાજધાનીમાં પ્રવેશતા દરેક વાહનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. - તો વાંગચૂકનાં અનશન આજે ખતમ; ગીતાંજલિએ મૂકી શરત :  નવી દિલ્હી, તા. 19 : નીટ પેપર લીક વિરુદ્ધ દિલ્હીમાં જંતરમંતર પર વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતું જઇ રહ્યું છે, ત્યારે સોનમ વાંગચૂકનાં પત્ની ડો. ગીતાંજલિ આંગમોએ એક ધ્યાન ખેંચતી ઘોષણા કરી હતી. ગીતાંજલિએ કહ્યું હતું કે, રાજકીય પક્ષોના નેતાઓ હોસ્પિટલમાં આવીને ચોમાસુ સત્રમાં શિક્ષણની જવાબદારીનો મુદ્દો ઉઠાવવાનું નક્કર આશ્વાસન આપે તો વાંગચૂક કાલે સોમવારે અનશન ખતમ કરી દેશે.સાથોસાથ તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, કાલના સંસદ સુધી રેલી કાઢીને પ્રદર્શનમાં વાંગચૂકનું પ્રતિનિધિત્વ કરીશ. 

Panchang

dd