• મંગળવાર, 04 નવેમ્બર, 2025

અમેરિકી રાષ્ટ્રપતિનો ભારત સહિત દુનિયા માટે ચિંતાજનક, ચોંકાવનારો દાવો

વોશિંગ્ટન, તા. 3 : પોતાની સેનાને પરમાણુ શત્રોનું પરીક્ષણ કરવાનો આદેશ આપીને આખાં વિશ્વમાં ઉચાટ ફેલાવી દેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ખાસ કરીને ભારત સહિત આખી દુનિયા માટે ભારે ચિંતાજનક અને ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, માત્ર રશિયા અને ઉત્તર કોરિયા જ નહીં, પરંતુ ચીન અને પાકિસ્તાન પણ ગુપચુપ પરમાણુ શત્રોનું પરીક્ષણ કરી રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિના આ ખતરનાક ખુલાસા બાદ છેલ્લાં 27 વર્ષથી એટલે કે 1998થી એક પણ પરમાણુ પરીક્ષણ નહીં કરનાર ભારત માટે પણ હવે પોખરણ-3 પરીક્ષણ કરવાનાં દ્વાર ખૂલી શકે છે. અલબત્ત, ભારત પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ પ્રામાણિકતાથી પાળે છે, પરંતુ ચીન અને પાકિસ્તાન જેવા `ભારતવિરોધી' વલણ ધરાવતા દેશો આવાં ઘાતક શત્રોનાં પરીક્ષણ આખી દુયાથી છૂપાવીને કરી રહ્યા હોય, તો તેવા સંજોગોમાં ભારત પણ સ્વાભાવિક રીતે સાવધાન બનીને પરમાણુ શત્રોનાં પરીક્ષણ માટે સજ્જ બનશે જ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો, ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું કે, ઉત્તર કોરિયા અને રશિયા ઉપરાંત ચીન અને પાકિસ્તાન પણ ગુપચુપ પરમાણુ પરીક્ષણ કરી રહ્યાં છે.સીબીએસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં આવો ખુલાસો કરવા સાથે ટ્રમ્પે 33 વર્ષ રોક્યા બાદ અમેરિકી સેનાએ પરમાણુ પરીક્ષણનો આદેશ યોગ્ય  લેખાવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ફરી પરમાણુ પરીક્ષણ કરવાની જરૂર છે. સાથોસાથ એવો દાવો પણ કર્યો હતો કે, અમેરિકા પાસે એટલાં પરમાણુ હથિયાર છે, જેનાથી 150 વાર આખી દુનિયાને નષ્ટ કરી શકાય. રશિયા અને ચીનની ગતિવિધિઓને ધ્યાને લેતાં પરમાણુ પરીક્ષણ કરવું જરૂરી છે, તેવું કહેનારા ટ્રમ્પ સંરક્ષણ મંત્રાલયને તેનો આદેશ આપી ચૂક્યા છે. ઉત્તર કોરિયા સિવાય કોઇ પરમાણુ પરીક્ષણ નથી કરતું, તો આપ શા માટે કરો છો, તેવું પૂછતાં અમેરિકી રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો હતો કે, રૂસ, ચીન, પાક પણ કરે છે, બસ, દુનિયાને ખબર નથી પડતી. ભારત માટે આ દાવો ગંભીર ચિંતાનો વિષય છે. કારણ કે, ભારત પરમાણુ શત્રોથી સજ્જ દુશ્મનો ચીન અને પાકિસ્તાનનો સામનો બે મોરચા પર કરે છે. દરમ્યાન, ટ્રમ્પે વધુ એકવાર દાવો કર્યો હતો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મેં રોકાવ્યું હતું. બીજી તરફ, ટ્રમ્પે ચીનને પણ ચેતવણી આપી હતી કે, તાઇવાન પર હુમલો કરશે, તો તેનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે. અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, મારા પહેલા કાર્યકાળમાં ચીને કદી તાઇવાન પર હુમલાની હિંમત નહોતી કરી. કેમ કે, ચીનને અમેરિકાની આકરી પ્રતિક્રિયાનો ડર હતો. ટ્રમ્પે પુતિન અને જિનપિંગની પ્રશંસા પણ કરી હતી. ટ્રમ્પના પરમાણુ પરીક્ષણોના આદેશ મુદ્દે દુનિયામાં હંગામો મચેલો છે, ત્યારે ટ્રમ્પ દુનિયામાં દહેશતનું લખલખું પસાર થઈ  જાય તેવાં નિવેદનમાં આગળ કહ્યું છે કે, અમેરિકા પાસે દુનિયાને તબાહ કરી નાખવા માટે પર્યાપ્ત પરમાણુ હથિયારો છે. તેમણે કહ્યું હતું કે, આખી દુનિયાને 10 વખત તબાહ કરી શકાય તેટલા અણુશત્ર અમેરિકા પાસે છે. તેમણે આગળ કહ્યું હતું કે, આટલા હથિયાર હોવા છતાં અમેરિકા તેનું પરીક્ષણ ન કરે તેવો એકલો દેશ ન રહી શકે. અન્ય દેશો પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા પરીક્ષણ કરી રહ્યું છે, ચીન પણ કરી રહ્યંy છે. નિશ્ચિતરૂપે ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પણ પરીક્ષણો કરી રહ્યાં છે. આ પરીક્ષણો ભૂમિગત હોવાનાં કારણે તેની ભાળ મેળવવી મુશ્કેલ હોય છે. ટ્રમ્પે આગળ ભારત-પાક.નું યુદ્ધ રોકાવી લીધાનો દાવો દોહરાવતાં કહ્યું હતું કે, બન્ને દેશ અણુયુદ્ધની અણીએ જ હતાં અને વેપાર-ટેરિફની ધમકી આપીને બન્ને દેશને રોકવામાં આવ્યા હતા. ટ્રમ્પે આપવડાઈ કરતાં આગળ કહ્યું હતું કે, જો આમાં ટ્રમ્પ દખલ ન કરત તો લાખો લોકો મર્યા હોત. જેટ તોડી પાડવામાં આવી રહ્યા હતા. ટ્રમ્પે કરેલા આ દાવાનાં કારણે ભારત માટે પોખરણ-3 પરીક્ષણ કરવા માટેની તકનો અવકાશ પેદા થઈ ગયો છે. જો પાકિસ્તાન અને ચીન ખરેખર આવા ઘાતક શત્રોનાં પરીક્ષણ કરી રહ્યા હોય તો ભારત માટે સ્થિતિ અસ્થિર બની જાય છે. ભારત પરમાણુ શત્રનો પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ પાળે છે અને 1998થી કોઈ જ પરીક્ષણ કરવામાં આવ્યું નથી. 

Panchang

dd