મુસા સુમરા દ્વારા : સુમરાપોર (પચ્છમ) (તા. ભુજ),
તા. 16 : તાલુકાના બન્ની-પચ્છમ વિસ્તારના ખારાપાટ રણમાં ઉદ્યોગોના આગમનથી
ભારેખમ વાહનો બેફામ ગતિએ દોડી રહ્યા છે અને બે વર્ષમાં વાહન અકસ્માતથી 30 યુવાનના જીવ ગયા છે. રણમાં
ઔદ્યોગિક આગમન બાદ કંપનીઓમાં માલસામાન લઈ જતા ભારેખમ વાહનોની આ પંથકમાં અવર-જવર વધી
છે. માતેલા સાંઢની માફક તેજ ગતિએ રાત-દિવસ વાહનો દોડી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા
બે વર્ષમાં 30થી વધુ યુવાન ગોઝારા અકસ્માતના ખપ્પરમાં
હોમાઈ ગયા છે. આવા અકસ્માતોના પગલે અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા છે. માલધારીઓના
મુલકમાં વાહન અકસ્માતે અનેક ભેંસ, ગાય, ઘેટાં-બકરા,
અશ્વો, માલધારીઓ મોતને ભેટયા છે. ખાસ કરીને ભારેખમ
વાહનના ચાલક નશામાં વાહનો હંકારતા હોવાના આક્ષેપો સ્થાનિકોમાંથી ઊઠી રહ્યા છે. મહત્ત્વના
સરહદી માર્ગોમાં ખાડાના પગલે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે. આ વિસ્તારમાં સફેદ
જોખમી લાઈટો સાથેના વાહનો દોડી રહ્યા છે, જેથી પણ અકસ્માતના બનાવોમાં
ઉછાળો આવ્યો છે. તાજેતરમાં કોટડા-ચેકપોસ્ટથી આગળ થયેલા ગમખ્વાર અકસ્માતમાં મજૂરોના
મોત થયા હતા. આ અકસ્માત બાદ આ વિસ્તારમાં પોલીસ સર્તક બની છે અને પેટ્રોલીંગ વધાર્યું
છે તેવામાં હવે રહી રહીને ખાણ ખનિજ વિભાગ નિંદ્રા ત્યજી જાગ્યું હોય તેમ કુરન-કોટડા
ફાટક પર ભારે વાહનોને અટકાવી તપાસ હાથ ધરી હતી. ભારે વાહનોની અવર-જવર વચ્ચે ખાસ કરીને
દ્વિચક્રી વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે.