ગાંધીધામ, તા. 16 : વાગડમાં બેકાબૂ બનેલી ખનિજચોરીને અંકુશમાં લાવવા વહીવટી
તંત્ર દ્વારા તાજેતરમાં ઉપરાઉપરી કાર્યવાહી કરાઈ હતી, ત્યારે આજે રાપર અને ભચાઉ તાલુકામાં ખનિજચોરી
સામે વધુ એક વખત કાર્યવાહી કરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા ભચાઉ અને રાપર તાલુકામાં થઇ રહેલાં ગેરકાયદેસર
ખનન અને પરિવહન સામે લાલ આંખ કરવામાં આવી છે. રાપર તાલુકાના લોદ્રાણી ખાતે આશરે બે
એકરમાં ખનન કરતાં બે હિટાચી, ત્રણ ટ્રક, રાપર ખાતેથી ગેરકાયદેસર ખનિજનું વહન કરતાં કુલ 13 ટ્રક, જાટાવાડા ખાતે ખનન સાઇટ ઉપરથી એક ટ્રેક્ટર કમ
લોડર, લોદ્રાણી ખાતે થયેલાં ગેરકાયદેસર ખનન સ્થળે આગળની કાર્યવાહી
કરવા માટે ખાણખનિજ વિભાગની ટીમને જરૂરી સૂચના આપવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન આશરે રૂપિયા આઠ કરોડનો
મુદ્દામાલ જપ્ત કરી વાહન વિરુદ્ધ દંડની કાર્યવાહી
કરવા નજીકનાં પોલીસ સ્ટેશનમાં વાહનોનો કબજો
સોંપવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચનાથી ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક ટાલે,
ભચાઉ મામલતદાર એમ.કે. રાજપૂત, રાપર મામલતદાર એચ.બી.
વાઘેલા અને ખાણખનિજ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભચાઉ પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદે રેતીનો વોશિંગ પલાન્ટ પકડી
પાડવામાં આવ્યો હતો. તંત્રની ઉપરાઉપરી કાર્યવાહીથી
ખનિજચોરી કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.