• બુધવાર, 22 જુલાઈ, 2026

છાડવારા નજીક આગળ ઊભેલાં ટ્રેઈલરમાં બીજું ભટકાતાં એકનું મોત

ગાંધીધામ, તા. 19 : ભચાઉના છાડવારા નજીક આગળ જતાં વાહનમાં પાછળથી ટ્રેઈલર ભટકાતાં તે ત્યાં પડયું રહ્યું હતું. બાદમાં તેમાં પાછળથી અન્ય ટ્રેઈલર ભટકાતાં પાછળના આ ટ્રેઈલરચાલકનું મોત થયું હતું. બીજીબાજુ ગાંધીધામમાં અગાઉ એસિડ પી લેનાર સુનીલ લાલજી દાફડા (ઉ.વ. 50)એ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. મીઠીરોહર નજીક વંશપ્રતાપ લોજિસ્ટિકમાં ટ્રેઈલર નંબર આર.જે.-01-જી.ડી.-6061 ચલાવનાર મુકેશ અમરચંદ ખીચી ગત તા. 18/7ના સવારે વાહન લઈને જઈ રહ્યો હતો. તે છાડવારા નજીક રામદેવ પુલિયા પાસે પહોંચ્યો હતો. ત્યારે આગળ જઈ રહેલા ટેન્કર નંબર જી.જે.- 06 - એએક્સ - 9689ને આગળ ગાય આડે આવતાં તેને બચાવવા તેના ચાલકે બ્રેક મારતાં ટ્રેઈલર તેમાં પાછળથી ભટકાયું હતું. બાદમાં મુકેશ ખીચીના આ વાહનના ગ્લાઈન્ડર લોક થઈ જતાં તેણે પોતાના વાહન પાછળ પથ્થરોની આડશ ઊભી કરી હતી. તેવામાં પાછળથી આવતું ટ્રેઈલર નંબર જી.જે.-12 - બી ઝેડ - 5159 આગળ ઊભેલાં આ ટ્રેઈલરમાં અથડાયું હતું, જેમાં પાછળના વાહનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. આ ચાલકની ઓળખ માટે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ અપમૃત્યુનો એક બનાવ ગાંધીધામમાં બન્યો હતો. અહીંના ગણેશનગરમાં રહેનાર સુનીલ દાફડા નામના આધેડે ગત તા. 30/6ના અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd