મુંદરા, તા. 19 : તાલુકાના ટુંડા, કાંડાગરા વિસ્તારમાં શનિવારે થયેલા સરકારી જમીનનો
પરના દબાણ હટાવવાની કાર્યવાહીને જાગૃત આગેવાનો દ્વારા બિરદાવાઈ હતી અને વધુમાં જણાવ્યું
હતું કે, ખાસ કરીને જ્યાં રોજ મોટી સંખ્યામાં શ્રમજીવીઓથી લઈને
નોકરિયાતો સુધીના વધુ ને વધુ લોકો વસી રહ્યા
છે, એવા આ તાલુકામાં દબાણ પ્રવૃત્તિ ખૂબ વકરી છે. ખુદ ગામના કેટલાક
આગેવાનો જ પડદા પાછળ આવી પ્રવૃત્તિ કરી ગેરકાયદે લાખોની કમાણી કરે છે, ત્યારે આ કાર્યવાહી એ `પ્રથમ પગલું' હોવું જોઈએ અને અનેક વિસ્તારમાં આવાં દબાણ હજુ છે તે હટવાં જોઈએ. કેટલાક જાગૃત
આગેવાનોએ વહીવટી તંત્ર અને પોલીસની આ કાર્યવાહીને આવકારી નામ નહીં આપવાની શરતે જણાવ્યું
કે, મુંદરા તાલુકો ઔદ્યોગિક રીતે ઝડપથી વધી રહ્યો છે, તેને પગલે વસ્તી વધે છે. ખાસ કરીને
ટુંડા, વાંઢ, કાંડાગરા, શિરાચા, દેશલપર આસપાસના પંથકમાં સરકારી જમીનો દબાવી કાચું-પાકું
માળખું ઊભું કરી દુકાન કે મકાન આપી પાંચ હજારથી 20 હજાર સુધી ભાડા લેવામાં આવે
છે. આ ગેરપ્રવૃત્તિ મુંદરા તાલુકામાં તો વિશેષ છે અને દુ:ખની વાત તો એ છે કે, આમાં ખુદ ગામના કહેવાતા આગેવાનો જ સરકારી જમીન
પચાવી આ ધંધો કરે છે અથવા પડદા પાછળ પ્રોત્સાહન અપાય છે. આ કાર્યવાહી `એક શરૂઆત' હોવી
જોઈએ તેવી લાગણી વ્યક્ત કરતાં બાકીના દબાણકર્તાઓને પણ ઝડપી નોટિસ પાઠવીને આગળની કાર્યવાહી
થાય તેવી માગણી વ્યક્ત કરી હતી અને જેમને નોટિસ પાઠવાઈ છે અને શનિવારે બાકી રહી ગયા
છે, એમના પણ દબાણ હટે તેવી લાગણી વ્યક્ત કરી હતી.