નિખિલ પંડયા દ્વારા : ભુજ, તા. 22 : દારૂબંધીના કડક અમલની અનિવાર્યતાના મામલે સતત ટીકાનું કેન્દ્ર બની રહેલા રાજ્યના પોલીસ દળે હવે નશાના આધુનિક સ્વરૂપસમાન કેફી દ્રવ્યોનાં દૂષણને નાથવાના પડકારને પહોંચી વળવા કમર કસી છે. રાજ્ય સરકાર દ્વારા અલાયદા નાર્કોટિક્સ વિરોધી ટાસ્કફોર્સના ખાસ પોલીસથાણા ઊભા કરવાના લેવાયેલા નિર્ણયથી કેફી દ્રવ્યોનાં દૂષણને ઊગતું ડામવામાં સફળતા મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. પોલીસ માળખાંને પૂરક અને સમાંતર આ નવી વ્યવસ્થા અસરકારક બને તો જ રાજ્યના માથે ડ્રગ્સના હબનું આળ દૂર થઈ શકશે. દારૂના દૂષણથી વધુ જોખમી એવા કેફી દ્રવ્યોના વ્યાપે છેલ્લા થોડા સમયથી ગુજરાતીઓમાં ભારે ચિંતા જગાવી છે. આ પડકારમાં આંતરરાષ્ટ્રીય સરહદોથી માંડીને દરિયાઈ વ્યવહાર વાટે લવાતા ડ્રગ્સ, મહાનગરોથી માંડીને ધોરીમાર્ગો પર વેચાતા આ મોતના સમાન, આધુનિક યુવાવર્ગથી માંડીને ટ્રકચાલકોને ભરડામાં લેતા આ વ્યસન એમ તમામ સ્તરે ઝડપભેર પગપેસારો કરી રહેલા ડ્રગ્સના ચલણની સામે હવે કેન્દ્ર અને રાજ્ય સ્તરની એજન્સીઓ કમર કસી રહી છે.
વિવિધ એજન્સીઓ મેદાને
કેફી દ્રવ્યોના વધી રહેલા વ્યાપને નાથવા માટે કોસ્ટગાર્ડ, સીમા સુરક્ષા દળ, કસ્ટમ, ડીઆરઆઈ, એનઆઈએ, એન્ટી નાર્કોટિક્સ બ્યૂરો ઉપરાંત રાજ્ય પોલીસની સ્થાનિક અને ત્રાસવાદ વિરોધી
પાંખો એકમેક સાથે સંકલન સાધીને સતત જાગૃતિ રાખી રહી છે. નાની પડીકીઓથી માંડીને કિલોના
ચોરસામાં આધુનિક ડ્રગ્સ, ચરસ અને ગાંજાને ઝડપી લેવામાં હવે સલામતી
એજન્સીઓ વધુ ને વધુ સફળતા મળી રહી છે, પણ આ સફળતા છતાં દૂષણને
નેસ્તનાબૂદ કરવાનો પડકાર હજી યથાવત્ રહ્યોઁ છે.
રાજકીય આરોપ
પંજાબમાં કેફી દ્રવ્યોના બંધાણીઓની સતત વધી રહેલી સંખ્યા
આખા દેશમાં ચર્ચાના કેન્દ્રમાં છે. હવે આ સંદર્ભમાં રાજકીય આરોપ લાગી રહ્યો છે કે, ઊડતા પંજાબને ઊડતું રાખવામાં ગુજરાતનો
હાથ છે. રાજકીય આરોપોની પરવાહ કર્યા વગર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહવિભાગનો હવાલો
સંભાળતા હર્ષભાઈ સંઘવીએ ડ્રગ્સના પડકારને પહોંચી વળવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
તેમના આ ઈરાદાનું પ્રતિબિંબ છેલ્લા થોડા સમયમાં રાજ્યમાં કેફી દ્રવ્યોને ઝડપવાના વધુ
ને વધુ કિસ્સા સલામતી એજન્સીઓના ચોપડે ચડી રહ્યાની હકીકત પરથી પડે છે.
ખાસ પોલીસ મથકો
કેફી દ્રવ્યોના વ્યાપને નાથવા માટે રાજ્ય સરકારે ભુજ
સહિત રાજ્યના છ શહેરમાં એન્ટિ નાર્કોટિક્સ ટાસ્કફોર્સના ખાસ પોલીસથાણા ખોલવાની જાહેરાત
કરી છે. સાથોસાથ ડીવાયએસીના નેતૃત્વ હેઠળના આ તમામ થાણાને રાજ્યસ્તરે એડિશનલ ડાયરેક્ટર
જનરલ ઓફ પોલીસના તાબા હેઠળ રાખાવની જાહેરાત કરાઈ છે. ભુજ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા,
રાજકોટ, ગાંધીનગર ખાતે આ ખાસ પોલીસ થાણા કાર્યરત
કરાશે. દરેક થાણાના કાર્યક્ષેત્રમાં વિવિધ જિલ્લાની ફાળવણી પણ કરાઈ છે.
કેન્દ્રીય એજન્સીમાંથી નિયુક્તિ
ઉલ્લેખનીય બાબત એ છે કે, આ નવાં માળખાંમાં રાજ્ય સરકારના પ્રયાસોમાં
સહાયભૂત થવા માટે વિવિધ સંબંધીત કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓને પ્રતિનિયુક્તિના ધોરણે
સમાવેશ કરાશે. આમ એનસીબી, ડીઆરઆઈ અને એનઆઈએ જેવી કાબેલ એજન્સીઓના અનુભવી અધિકારીઓની મદદથી રાજ્ય પોલીસના
કેફી દ્રવ્યો વિરોધી અભિયાનને વધુ અસરકારક બનાવવાની સરકારની નેમ છે. આ આયોજન અમલી બને
તો ગુજરાત સરકારની આ નવતર પહેલ કેફી દ્રવ્યો સામેના સંકલીત મોરચામાં પરિણમી શકે એવું
સક્ષમ છે.
કચ્છનાં થાણાની અલગ તાસીર
રાજ્યમાં છ ખાસ પોલીસ થાણા ઊભા થશે તેમાં કચ્છના બે
પોલીસ જિલ્લા ઉપરાંત વાવ થરાદ, બનાસકાંઠા, મોરબી અને પાટણના જિલ્લાને આવરી લેવાશે. રાજ્યના
તમામ સરહદી જિલ્લાને આવરી લેતા ભુજના આ ખાસ પોલીસથાણાની સામે દરિયાઈ અને રણ સરહદેથી
થતી કેફી દ્રવ્યો ઘુસાડવાની પેરવીને રોકવાની સાથોસાથ બંદરો પર કન્ટેનર વાટે મસમોટા
પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી કરવાના કારસાને નાથવાની જવાબદારી રહેશે. આ ઉપરાંત મુંદરા, કંડલા અને મોરબી વિસ્તારમાં ઔદ્યોગિક અને બંદરીય વિકાસની સાથોસાથ પરિવહનનો
વ્યવસાય પણ સતત વધી રહ્યો છે. પરપ્રાંતિય ટ્રકોમાં
દારૂ લાવવાને બદલે નાના એવા પ્રમાણમાં ડ્રગ્સ લાવવાનું વધુ સરળ અને ફાયદાકારક જણાઈ
રહ્યંy છે. આ ઉપરાંત
હાઈવે પણ ટ્રકચાલકોને કેફી દ્રવ્યોના બંધાણમાં ડુબાડીને તેમને નશાનો સામાન પૂરો પાડનારા
મોટા વર્ગને નાથવાની જવાબદારી ભુજના મથકની માથે રહેશે.
પોલીસની જવાબદારી યથાવત
ખાસ પોલીસ થાણાની રચનાથી સ્થાનિક પોલીસ તંત્રની જવાબદારીનો
અંત આવી જશે એમ નથી. ઊલટું હવે દારૂનો મોટો જથ્થો અન્ય એજન્સી દ્વારા ઝડપાય તો સ્થાનિક
પોલીસની જવાબદારી નક્કી કરીને શિક્ષાત્મક પગલાં લેવાવાની જોગવાઈ હવે કેફી દ્રવ્યો ઝડપાવાના
કિસ્સામાં પણ અમલી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.