ગાંધીધામ, તા. 13 : અંજારમાં બિલ્ડિંગ મટિરિયલનો વ્યવસાય કરતા વેપારી
અને તેમના ભાભીના બેંક ખાતાંમાંથી સાયબર ગઠિયાઓએ કોઇપણ રીતે રૂા. 6,52,176 બારોબાર ઉપાડી લીધા હતા. અંજારના દેવનગરમાં
રહી અંજાર-ભુજ બાયપાસ રોડ નાયરા પંપ સામે કર્મા બીલકોન નામની દુકાન ચલાવતા લખધીરસિંહ
નરેન્દ્રસિંહ ચૂડાસમાએ આ બનાવ અંગે પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 11/5ના તેઓ એક્સીસ બેંકમાં વ્યવસાયના કામથી ચેક
જમા કરાવવા, આર.ટી.જી.એસ. કરાવવા ગયા હતા ત્યારે તેમના બેંક ખાતાંમાં પૈસા જ ન હોવાનું
બહાર આવ્યું હતું. તેમના ખાતાંમાં સાડા ચાર લાખથી વધારેની રકમ હતી. તેમણે તપાસ કરાવતાં
તા. 10/5ના આઠ ટ્રાન્ઝેક્શન થકી તેમના ખાતાંમાંથી બારોબાર
રૂા. 4,89,183 ઊપડી ગયાનું બહાર આવ્યું હતું. તેમના ભાભી આનંદબા
ગિરિરાજસિંહ ચૂડાસમાના બેંક ખાતાંમાં પણ ફરિયાદીના નંબર હોવાથી ત્યાં તપાસ કરાતાં તેમના
ભાભીના રૂા. 6.52 લાખ ખાતાંમાંથી પણ તા. 8 અને 9ના કુલ નવેક ટ્રાન્ઝેક્શન થકી રૂા. 1,62,993 ઊપડી ગયાનું બહાર આવ્યું હતું. આમ, આ બંને ખાતાંમાંથી સાયબર ગઠિયાઓએ
રૂા. 6,52,176 બારોબાર ઉપાડી લીધા હતા. ફરિયાદીએ કોઇને કોઇ
ઓ.ટી.પી. કે નેટ બેંકિંગના આઇ.ડી.-પાસવર્ડ આપ્યા નથી છતાં તેમના ખાતાંમાંથી બારોબાર
પૈસા કેમ ઊપડી ગયા તે અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.