• ગુરુવાર, 14 મે, 2026

ગાંધીધામનો ટાગોર રોડ ફરી એકવાર રક્તરંજીત બન્યો

ગાંધીધામ/ભુજ, તા. 13 : શહેરના ટાગોર રોડ પર પટેલ હોસ્પિટલ સામેના ભાગે એક્ટીવા (મોપેડ) અને છકડો રીક્ષા ભટકાતા પદમાબેન રમેશ પેશવાણી (ઉ.વ. 73)નું મોત થયું હતું. તેમજ સામખિયાળીમાં ટ્રકએ સાઈકલ ચાલક ઈસ્તાક પઠાણને હડફેટમાં લેતા તેમનું મોત થયું હતું. બીજી બાજુ આદિપુરમાં પંચમુખી હનુમાન મંદિર નજીક વરસાદી નાળા પાસે અર્જુન દિનેશ રાણા (ઉ.વ. 20)ને ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેમજ મેઘપર બોરીચીમાં કિંજલ મેહુલ રાઠોડ (ઉ.વ. 17)નામની કિશોરીએ ફાંસો ખાઈ જીવ દીધો હતો. જ્યારે નખત્રાણાના કોટડા (રોહા)માં 30 વર્ષીય પરિણીતા સુલતાનાબાઈ રમજાન કાઠીએ એસીડ પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ગાંધીધામના ગુરૂકૃપા વોર્ડ-7 વિસ્તારમાં રહેતા પદમાબેન નામના વૃદ્ધાને આજે સવારે અકસ્માત નડયો હતો. તે એક્ટીવા મોપેડથી શક્તિનગરથી પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા. દરમ્યાન પટેલ હોસ્પિટલ સામે છકડા રક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં આ વૃદ્ધાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે લઈ જવાતા તેમને મૃત જાહેર કરાયા હતા. બનાવમાં છકડા ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ સામખિયાળીમાં ટોલનાકા નજીક ચામુંડા હોટેલની સામે અકસ્માત સર્જાયો હતો. સાઈકલ પર સમોસા વેંચતા આધેડ ઈસ્તાકભાઈ માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જી.જે.39-ટીએ.3862એ હડફેટમાં લેતા આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ લાકડીયા હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે લઈ જવાતા રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો. ટ્રક ચાલક વિરુદ્ધ સલમાન ઈસ્તાક પઠાણે ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો એક બનાવ આદિપુરમાં પ્રકાશમાં આવ્યો હતો. જનતા પેટ્રોલ પંપ સામે આવેલા વરસાદી નાળાની પાલિકા દ્વારા સફાઈ થઈ રહી હતી દરમ્યાન ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા તે યુવાન અર્જુન રાવલ હોવાનું બહાર આવ્યું હતું. થોડા દિવસ અગાઉ તે ગુમ થયો હતો. અને તેના સંબંધીઓએ આદિપુર પોલીસ મથકે ગુમનોંધ પણ કરાવી હતી. પરિવારજનો તેને શોધવા રાજસ્થાન ગયા હતા અને અહીં તેની લાશ મળી આવી હતી. આ યુવાને બાવળની ડાળખીમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. પોલીસે કારણો જાણવા આગળની તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ અપમૃત્યુનો એક બનાવ મેઘપર બોરીચીની નિલકંઠ સોસાયટીમાં બન્યો હતો. અહીં રહેનાર કિંજલ નામની કિશોરી ગઇકાલે સાંજે પોતાના ઘરે હતી દરમ્યાન અગમ્ય કારણોસર તેવો દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. નખત્રાણા તાલુકાના કોટડા (રોહા) ખાતે રહેતા મૂળ સેડાતા સુલતાનાબાઇએ ગત તા. 11-5ના રાત્રે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લેતા તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં આજે તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજીવીજ આદરી છે. 

Panchang

dd