• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

દુષ્કર્મના કેસમાં ભોજાયના આરોપીને 10 વર્ષની કેદ

ભુજ, તા. 20 :  19 માસ પૂર્વે માંડવી તાલુકાની માનસિક રીતે બીમાર યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી એવા ભોજાયના દામજી ઉર્ફે વલ્લભજી લધુ મહેશ્વરીને સ્પે. પોકસો કોર્ટે દસ વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ બનાવની ટૂંક વિગતો મુજબ ગત તા.19/2/24ના ભોગગ્રસ્ત યુવતીના ભાઈએ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવાયું હતું કેમાનસિક રીતે બીમાર એવી તેની બહેન ગત તા. 14/2/2024ના ગામની સીમમાં પહોંચી જતાં તેની એકલતાનો લાભ લઈને આરોપી વલ્લભજી લધુ મહેશ્વરી (રહે. ભોજાય)એ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાદ પોલીસે 376 (2)  (જે) (એલ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી અને ચાર્જશીટ તૈયાર કરી માંડવી કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ બાદ આ કેસ સ્પે. પોકસો જજ જે. એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતાં વિવિધ પુરાવા અને સાહેદોની જુબાની તથા આરોપીએ પોતાના મોબાઈલમાં ઉતારેલા વીડિયો અંગે વિવિધ દલીલોમાં બંને પક્ષોને સાંભળી કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા તથા એક લાખનો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સખત કેદ ભોગવવાનો હુકમ કર્યો છે.આ ઉપરાંત ભોગ બનનારને ચાર લાખ વળતર મળે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજને કોર્ટે ભલામણ કરી છે. આ કેસમાં ફરિયાદ પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ ડી. જે. ઠક્કર હાજર રહી દલીલ કરી હતી. 

Panchang

dd