• મંગળવાર, 04 નવેમ્બર, 2025

કુલદીપ શર્માને સજા સામે સુપ્રીમનો સ્ટે

ભુજ, તા. 3 : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને પોલીસ દળ અને બેનંબરી દુનિયામાં ભારે ચકચારી બનેલા ઇભલા શેઠને માર મારવાના ચાર દાયકા જૂના કેસમાં નિવૃત્ત આઇપીએસ અધિકારી કુલદીપ શર્મા અને જે-તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર ગિરીશ એચ. વસાવડાને થયેલી કેદ અને દંડની સજા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 41 વર્ષ જૂના આ કેસમાં ફેબ્રુઆરી માસમાં ભુજની સેશન્સ કોર્ટે શર્મા અને સાથી કર્મચારી વસાવડાને દોષિત જાહેર કરી ત્રણ-ત્રણ માસની કેદ અને એક-એક હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓ દંડ ભરીને અપીલમાં ગયા હતા. એકાદ માસ પૂર્વે આ અપીલ જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. આરોપીઓએ પોલીસ ખાતામાં આપેલી સેવાઓ અને મેળવેલા મેડલ્સની રજૂઆતોને લઇને બંને આરોપીને 15 દિવસના પ્રોબેશનનો સમય અપાયો હતો. આ બાદ સજા અને દંડના હુકમને પડકારતી બે રિવિઝન અરજી બંને આરોપીએ ગુજરાતની વડી અદાલતમાં દાખલ કરી હતી જેમાં સજાના હુકમ સામે સ્ટે તેમજ જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાંથી મુક્તિ માગતી અરજીઓ કરી હતી, જે 13/10ના હાઇકોર્ટે નામંજૂર કરી હતી. આ બાદ બંને આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં  સજાના  હુકમને મોકૂફ રાખવા અને ધરપકડ વોરંટનેય મોકૂફ રાખવા અરજીઓ કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે બંને આરોપીઓ શર્મા તથા વસાવડાને જેલમાં ગયા વિના તેમની સજા સામે સ્ટે આપવામાં આવ્યો છે, જે કાયદાના જગતમાં મહત્ત્વનો એક મુદ્દો ઊભો થયો છે. આ કેસમાં આરોપીઓ તરફે ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ મિહિર જોશી, આઇ. એચ. સૈયદ, રાહુલ શર્મા, જ્યારે સ્થાનિકે બંને આરોપીઓ તરફે સિનિયર એડવોકેટ બી. એમ. ધોળકિયા તથા ડી. વી. ગઢવી હાજર રહ્યા હતા. છેલ્લા 41 વર્ષ જૂનો આ ચકચારી કેસ ભુજની કોર્ટથી છેક દિલ્હીની સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. - શું છે આ પ્રકરણ : આ કેસ - પ્રકરણની ફરિયાદમાં તથા સંબંધિતો પાસેની ટૂંક વિગતો એવી છે કે, તા. 6/5/1984ના અબડાસાના જે-તે સમયના ધારાસભ્ય ખરાશંકરભાઈ જોશી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર જોશી અને હાજી ઈબ્રાહિમ મંધરા (ઈભલા શેઠ) સહિતનું એક પ્રતિનિધિ મંડળ નલિયા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં હેરાનગતિ કરાતી હોવાની રજૂઆત કરવા પોલીસવડા કુલદીપ શર્માને કચેરીમાં મળવા ગયા હતા. જ્યાં પોલીસ વડાએ રજૂઆત શાંતિથી સાંભળીને આ આવેલા પ્રતિનિધિ મંડળને પોતપોતાની ઓળખ આપવા માટે જણાવ્યું ત્યારે ઈભલા શેઠે પોતાની ઓળખાણ હાજી અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમ તરીકે આપતાં શ્રી શર્માએ પૂછયું તમે ઈભલા શેઠ છો? ત્યારે તેમણે જણાવ્યું કે હું શેઠ નથી, પણ લોકો મને ઈભલા શેઠનાં નામથી બોલાવે છે. આ સાંભળી શ્રી શર્માએ ધારાસભ્ય સહિતના પ્રતિનિધિ મંડળને ઠપકો આપ્યો કે, તમે દાણચોરને લઈને શું કામ આવો છો. આ બાદ ઈભલા શેઠને ડી.એસ.પી. કચેરીમાં લઈ જઈ ગોંધી રાખી ફરિયાદમાં લખાવ્યા મુજબ માર માર્યો હતો. આ અંગે 1984માં શંકરલાલ જોશીએ શર્મા તથા જે-તે વખતના એલ.સી.બી.ના પી.આઈ. જી. એચ. વસાવડા સામે ખાનગી ફરિયાદ ભુજની કોર્ટમાં કરી હતી. 

Panchang

dd