ગાંધીધામ, તા. 27 : અંજારની જન્મોત્રી સોસાયટીમાં
રહેનાર કાઉન્સિલર પુત્ર એવા દશરથ કાનજી ખાંડેકા (ઉ.વ. 32)એ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન
ટુંકાવી લીધું હતું. બીજીબાજુ ભચાઉના ચોપડવા બ્રિજ પાસે વીજલાઈનની મરમંત કરતા વીજકર્મી
એવા સચિન પ્રતાપ સોલંકી (ઉ.વ. 27)ને વીજશોક
લાગતાં આ યુવાનને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો તેમજ અંજારના ખેડોઈ નજીક અગાઉ ઝેરી
દવા પી લેનાર સાહિદ ઈસ્માઈલખાન (ઉ.વ. 24)એ છેલ્લા શ્વાસ લીધા હતા. અંજાર નગરપાલિકા વોર્ડ નંબર-બેના મહિલા
કાઉન્સિલરના પુત્ર એવા દશરથ ખાંડેકાએ આજે સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. ધારાશાત્રી
એવો આ યુવાન આજે સવારે પોતાના ઘરે એકલો હતો દરમ્યાન અગમ્ય કારણોસર તેણે દોરડા વડે ગળેફાંસો
ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તે
સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ ભચાઉ નજીક આજે સવારે અપમૃત્યુનો
બનાવ બન્યો હતો. વીજ કચેરીમાં કામ કરનાર સચિન સોલંકી તથા અન્ય એક કર્મી આજે સવારે 11 કેવી વીજલાઈનની મરંમત કરવા
નીકળ્યા હતા. આ બંને યુવાનો જુદા-જુદા થાંભલા પર કામ કરી રહ્યા હતા. દરમ્યાન અચાનક
સચિન સોલંકીને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો, જેમાં તે સાથળ, પેટમાં ગંભીર ઈજાઓ સાથે સળગી જતાં આ યુવાનને
જીવ ખોવાનો વારો આવ્યો હતો. વીજરેષાની મરંમત વેળાએ વીજ કરંટ ચાલુ હતો કે બાદમાં ચાલુ
કરાયો હતો તેમજ કર્મચારીને વીજશોક કેવી રીતે લાગ્યો તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે
હાથ ધરી છે. વધુ એક બનાવ ખેડોઈ નજીક ફોની ઢાબામાં બન્યો હતો. ખેડોઈમાં રહેનાર સાહિદ
નામના યુવાને ગત તા. 24/3ના એક વાગ્યે
ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેની તેને ગંભીર અસર થતાં આ યુવાનને વધુ સારવાર અર્થે
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેણે ગઈકાલે છેલ્લા
શ્વાસ લીધા હતા. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.