ગાંધીધામ, તા. 11 : ભચાઉના ઘરાણામાં ખેતર પાછું
આપી દેવાનું કહી આધેડ ઉપર છરી વડે હુમલો કરાયો હતો. મુંબઇના અંધેરીમાં રહી સ્ટેશનરીની
દુકાન ચલાવતા ફરિયાદી હરિ પચાણ ડાયા ડાંગર (આહીર) નામના આધેડે બે વર્ષ પહેલાં ભીમા
કાના ડાંગર પાસેથી ઘરાણાની સીમમાં ખેતર ખરીદ્યું હતું, બાદમાં તે એન.એ. કરાવી પ્લોટિંગ કર્યું હતું.
સારું વળતર મળતું હોવાથી ભીમા ડાંગર અને તેના ભાઇઓ આ ખેતર પરત માગતા હતા, પરંતુ ફરિયાદી તેની ના પાડતા હતા.ગઇકાલે ફરિયાદી પોતાના પ્લોટે જઇ બાદમાં ઘરે
આવી કાર રાખી ઘરમાં જઇ રહ્યા હતા. દરમ્યાન આરોપી હરિ કાના હુદા ડાંગરે ત્યાં બાઇક લઇને
આવી ખેતર કેમ પરત નથી આપતો, તેમ કહી આ આધેડ ઉપર છરી વડે હુમલો
કર્યો હતો. રાડારાડના પગલે આસપાસના લોકો આવી જતાં આરોપી નાસી ગયો હતો. ઘવાયેલા ફરિયાદીને
સારવાર અર્થે લઇ જવાયા હતા. પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.