કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 11 : અબડાસાની ધરતી આ વર્ષે જાણે
સોનું ઉગાવી રહી છે. કપાસનાં ઐતિહાસિક ઉત્પાદન બાદ હવે રવીપાક એવા ઘઉંનો પાક લણણી માટે
તૈયાર થઈ ગયો છે. પંજાબ અને હરિયાણાથી આવેલા હાર્વેસ્ટર મશીનોના ગડગડાટ વચ્ચે ખેડૂતો
રાત-દિવસ એક કરીને સોનેરી દાણાને કોઠારમાં ભરવા મથામણ કરી રહ્યા છે, પરંતુ, મબલખ પાકની આ ખુશી
પર બજારભાવની મંદીએ વિલન બનીને તરાપ મારી છે.
- ખુઅડામાં 2500 એકર : અબડાસાના ખેડૂત વિક્રમાસિંહ ભાટી અને સતુભા
ભાટીએ જણાવ્યું કે, આ વર્ષે કુદરતે
જે રીતે સાથ આપ્યો છે તે જોતાં એકર દીઠ 1700થી 2000 કિલો ઘઉં
પાકી રહ્યા છે. માત્ર ખુઅડા ગામની જ વાત કરીએ તો 2500 એકરથી વધુમાં ઘઉંનું વાવેતર છે. કોઠારા પંથકના સાધાણ, લાલા અને બુડિયા વિસ્તારમાં પણ ઘઉંની ભારે આવક
થવાની શક્યતા છે. હરિયાણાથી આવેલાં મશીનો એકર દીઠ 1200-1300 રૂપિયામાં લણણી કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોને ડર છે કે પાકની આ તેજી ભાવમાં
મંદી ન લાવી દે!
- યુદ્ધ વચ્ચે મંદીનું ગણિત : વેપારી અગ્રણી
હિતેશભાઈ ઠક્કર (સુથરી)ના વિશ્લેષણ મુજબ હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે
ઘઉંની નિકાસ ઠપ થઈ ગઈ છે. વળી, દર વર્ષે
દક્ષિણ ભારત (કેરળ, તમિલનાડુ)ના વેપારીઓ અહીં જે સીધી ખરીદી કરવા
આવતા હતા, તે આ વખતે ગાયબ છે. પરિણામે સ્થાનિક બજારમાં માંગ તળિયે
બેસી ગઈ છે. સરકારી ટેકાના ભાવ 2585 રૂપિયા હોવા છતાં, ખેડૂતોને મજબૂરીમાં 2100થી 2200 રૂપિયામાં
માલ વેચવો પડી રહ્યો છે. - નાના ખેડૂતોનો
મરો : લાલા ગામના ખેડૂત આમદ સંઘારે હૈયાવરાળ ઠાલવતાં
કહ્યું કે, મોટા ખેડૂતો તો માર્કેટયાર્ડ
પહોંચી જાય છે, પણ નાના ખેડૂતોનું કોણ ? ટ્રેક્ટરનું ભાડું અને મજૂરી પરવડતી નથી, એટલે ખેતરે
આવતા વેપારીઓને 17થી 20 રૂપિયે કિલો ઘઉં પધરાવી દેવા
પડે છે. નવાઈની વાત તો એ છે કે, જે ઘઉં ખેડૂત પાસેથી 20 રૂપિયે લેવાય છે, એ જ ઘઉં શહેરની દુકાનોમાં 40થી 50 રૂપિયે કિલો વેચાય છે.
વચેટિયાઓ મલાઈ ખાઈ રહ્યા છે અને પરસેવો પાડતો ખેડૂત ખર્ચ કાઢવા ફાંફા મારી રહ્યો
છે. હાલ અબડાસામાં લણણીની સિઝન શરૂ થઈ છે અને આગામી 10 દિવસમાં આખું મેદાન ઘઉંની આવકથી છલકાઈ જશે. ખેડૂતોની એક જ માંગ
છે કે, જો સરકાર સીધી ખરીદીનાં કેન્દ્રો વધારે અને
નાના ખેડૂતો માટે પરિવહનની વ્યવસ્થા કરે, તો જ આ સોનેરી પાક ખેડૂતોનાં
ઘરમાં સાચી સમૃદ્ધિ લાવી શકશે.