વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 11 : લાંબા અને
અનિવારક દર્દોમાં કિડની ડાયાલિસીસ દર્દ છે. 1990ના અરસામાં તંદુરસ્ત વ્યક્તિ એકબીજાને કિડની દાન આપી શકતી હતી
તે સહજ હતું. હવે સ્થિતિ અલગ છે. `િકડનીદાન'ના નિયમોની
આડશમાં લાલચ, મજબૂરી જેવાં તત્ત્વો ઉમેરાતાં અંગદાન જ ઉપાય બચ્યો
છે. આવી સ્થિતિમાં હાલ કચ્છમાં આ દર્દથી પીડાતા 8530 દર્દી છે. 13 કેન્દ્ર છે. નેફ્રોલોજિસ્ટ
છે. દાતાઓ અને આયુષ્માન કાર્ડનો મોટો સધિયારો છે,
પણ એક સમયે કચ્છના આવા દર્દીઓને રાજકોટ જવું પડતું. તેવા વખતે કચ્છી
લેવા પટેલ સમાજ વહારે આવ્યો હતો. આજે 30 મશીન સાથેનો વિભાગ કુદરતના આશીર્વાદ સમો છે. 25 વર્ષથી સંભાળતા નેફ્રોલોજિસ્ટ
ડો. સંજય પંડયાનાં સંસ્મરણો આજે વિશ્વ કિડની દિને વધુ પ્રસ્તુત છે. સંજય પંડયા કહે
છે, ઈ.સ. 2000માં મારા રાજકોટ ખાતેના દવાખાનામાં
લેવા પટેલ સમાજના સેવાભાવી અગ્રણી આર. આર. પટેલ,
આર. એસ. હીરાણી, ગોપાલભાઈ ગોરસિયા, અરજણભાઈ પિંડોરિયા અને ડો. મહાદેવ પટેલ યુનિટ જોવા આવ્યા અને કહ્યું,
અમે તમને એ પૂછવા નથી આવ્યા કે અમારી સાથે જોડાશો કે નહીં, કહેવા આવ્યા છીએ કે તમારે જોડાવાનું છે. હું કેમ ના પાડી શકું ? મેં સ્થિતિ જોઈ હતી. કચ્છથી રાજકોટ લાંબા થવું, અઠવાડિયામાં
કોઈને એક તો કોઈને ત્રણવાર આવવું, રસ્તા ખરાબ હતા, છ કલાક આવતાં થાય. મેં કહ્યું, મદદ કરીશ. અચાનક ધરતીકંપ
થયો. ભોગગ્રસ્તોના સ્નાયુ દબાવાથી મોટી સંખ્યા રાજકોટ આવવા લાગી, મેં સ્થિતિ જોઈ નિ:શુલ્ક સેવા શરૂ કરી, આસપાસના રેસ્ટોરન્ટવાળાએ
મફત ભોજન આપ્યું. મારું મન કચ્છ તરફ વધુ ખેંચાયું અને 2001માં અમે ભુજમાં માતૃશ્રી મેઘબાઈ
પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં વિભાગ શરૂ કર્યો. કિડની વિષયક પુસ્તક કે
જેનો વિશ્વની 40 ભાષામાં અનુવાદ થયો તેવા ડો.
સંજય પંડયા કહે છે, મને લેવા પટેલ
સમાજનો સેવાભાવ સ્પર્શી ગયો, તે વખતે 800થી 900 રૂપિયા પ્રતિ ડાયાલિસીસનો ખર્ચ
થતો હતો. ત્યારે અહીં માત્ર 250 રૂપિયામાં
સેવા થઈ છે. નડિયાદ ત્યારે કિડની સારવારનું કેન્દ્ર હતું. ભુજમાં કેન્દ્ર શરૂ થયું
તે મારા જીવનની સૌથી મહત્ત્વની ઘટના ગણું છું. તે વખતે મેં અરજણભાઈ પિંડોરિયાને વચન
આપેલું કે, હું કચ્છ આવીશ,
આજે 25 વર્ષથી નાતો
અકબંધ છે. હવે તો અહીં કચ્છનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર છે. મૂળ માધાપરના લંડન નિવાસી સામજીભાઈ
શિવજી દબાસિયાએ `જયસામ' નામે ઉમદા કાર્ય કર્યું છે. અહીં 20 વર્ષથી જયંતીભાઈ પિંડોરિયા
સેવારત છે. અગાઉ જીતુભાઈ ભાનુશાલી પણ હતા. અહીં 24 કલાક મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે. નેફ્રોલોજિસ્ટ તરીકે મારી સેવા
છે. અહીંનું ક્વોલિટી યુનિટ છે. એક છત્રે તમામ આકસ્મિક સેવાઓ છે. આઈસીયુ, વેન્ટિલેટર બધું અહીં છે. એટલે ઈમર્જન્સી જાળવી
શકાય છે. વિશ્વ કિડની વેબસાઈટ ઉપર સૌથી ઉપર જેમનું નામ છે તેવા ડો. સંજયભાઈ પંડયા કહે
છે 25 વર્ષ પહેલાં આ ટ્રસ્ટ 50થી 60 લાખ રૂપિયા દાતાઓનાં દાનથી ભરપાઈ કરતું હતું. આવી ચેરિટી સેવાભાવના
મેં જીવનમાં ક્યાંય જોઈ નથી. આજના સમયે 10 વ્યક્તિ પૈકી એકને કિડની રોગનું જોખમ છે. છતાં 90 ટકા લોકો અજાણ છે. તે માટે
વર્ષમાં એકવાર બ્લડપ્રેશર, બ્લડ ક્રિએટિનાઈન,
પેશાબ પ્રોટીન તપાસો. વિશ્વ આરોગ્ય સંસ્થાને આ રોગની વિશેષ ચિંતા છે.
40 ભાષામાં ઉપલબ્ધ, 24 દેશોના 100થી વધુ કિડની નિષ્ણાત દ્વારા
તૈયાર કરાયેલ 200 પાનાનું પુસ્તક `સેવ યોર કિડનીઝ' દીવાદાંડી સમાન છે. સંજય પંડયાનું પુસ્તક 10 કરોડથી વધુ લોકોએ વાંચ્યું
છે અને 8 લાખે ડાઉનલોડ કર્યું છે. આજે વિશ્વ કિડની
દિનનું સૂત્ર છે `સૌ માટે કિડની
આરોગ્ય - લોકોની સંભાળ રાખી, ગૃહનું
રક્ષણ કરવું.'