વોશિંગ્ટન, તા. 11 : ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ
વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાનમાં ટાર્ગેટ કરવા માટે કશું બચ્યું નથી,
તેથી હું જ્યારે ઈચ્છું ત્યારે યુદ્ધ સમાપ્ત કરી શકું છું. એક મીડિયા
હેવાલ મુજબ, બુધવારે એક ટેલિફોનિક મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું
હતું કે, ઈરાનમાં સૈન્ય ઠેકાણાઓ અને લક્ષ્યો પર મોટા પાયે હુમલા
થઈ ચુક્યા છે, તેથી ત્યાં નિશાન સાધવા માટે કશું બચ્યું નથી.
બસ, થોડું ઘણું જ બચ્યું છે, તેથી હું જ્યારે
પણ ઈચ્છું, ત્યારે યુદ્ધ સમાપ્ત થઈ જશે. જો કે, આ વેળાએ ટ્રમ્પે એ સ્પષ્ટ નહોતું કર્યું કે, યુદ્ધ સમાપ્ત
કરવા માટે અમેરિકાએ કયા પ્રકારની રણનીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે કે પછી કોઈ ઔપચારિક
પ્રક્રિયા શરૂ કરશે કે નહીં. ટ્રમ્પના નિવેદન પહેલાં અમેરિકા અને ઈઝરાયલના અધિકારીઓએ
કહ્યું હતું કે, હજુ યુદ્ધ પૂરું કરવાનો કોઈ પ્લાન નથી. ઈરાન
વિરુદ્ધ હજુ ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી સૈન્ય હુમલાઓ જારી રાખવાની તૈયારીઓ કરાઈ છે.
નોંધનીય છે કે, ગત 28 ફેબ્રુઆરીથી ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું
છે, જેમાં અત્યાર સુધી સેંકડો લોકોનાં મોત થયાં
છે. હાલના દિવસોમાં જ ઈરાનમાં એમેરિકા અને ઇઝરાયલે અનેક સૈન્ય અને ઊર્જા ઠેકાણાઓને
નિશાન બનાવ્યા છે, જેના જવાબમાં ઈરાને પણ અમેરિકાના બેઝ પર મોટા
પ્રમાણમાં હુમલાઓ જારી રાખ્યા છે, તો બુધાવરે દુબઈ એરપોર્ટ પાસે
ઈરાને ડ્રોન વડે હુમલો કર્યો હતો. તો ફારસ અને હોર્મુઝની ખાડીમાં અનેક જહાજોને નિશાન
બનાવ્યા હતા.