નખત્રાણા, તા. 11 : નખત્રાણા અને તાલુકાના ગ્રામ્ય અને ખાસ કરીને વાડી વિસ્તારોમાં
છેલ્લા કેટલાક સમયથી અબોલ ગૌવંશ પર થઈ રહેલા જીવલેણ હુમલાઓએ માનવતા સામે મોટા સવાલો
ઊભા કર્યા છે, મંદિરોમાં જે ગૌવંશ પૂજનીય
ગણાય છે, તે જ પશુઓ આજે વાડી વિસ્તારોમાં લોહીલુહાણ હાલતમાં ભટકી
રહ્યાં છે, વખતોવખત બનતી આવી ઘટનાઓએ સમગ્ર પંથકના ગૌપ્રેમીઓમાં
ભારે અરેરાટી અને રોષ જગાવ્યો છે. નાગલપર અને આસપાસના સીમ વિસ્તારોમાં જોવા મળેલાં
ઈજાગ્રસ્ત ગૌવંશની સ્થિતિ અત્યંત દયનીય છે. પશુઓનાં શરીર પર ખાસ કરીને પીઠ અને પૂંછડીના
ભાગે જે રીતે ઊંડા અને સીધા ઘા જોવા મળ્યા છે, તે સ્પષ્ટ કરે
છે કે, આ કોઈ અકસ્માત નથી. ચોક્કસ મનોવિકૃતિ ધરાવતી વ્યક્તિઓ
દ્વારા ઈરાદાપૂર્વક ધારદાર હથિયારો કે વસ્તુઓ વડે આ હુમલા કરવામાં આવ્યા હોવાની પ્રબળ
આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક સ્તરે એવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે કે, રખડતાં પશુઓ વાડીઓમાં ઘૂસી જઈને ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોવાથી કેટલાક
અજાણ્યા લોકો ઉશ્કેરાઈને આ પ્રકારનું હીચકારું કૃત્ય કરી રહ્યા છે. ખેતીનું નુકસાન
ચોક્કસપણે ચિંતાનો વિષય હોઈ શકે, પરંતુ તેનો ઉકેલ અબોલ જીવોને
લોહીલુહાણ કરવા કે તેમને કાયમી ખોડખાંપણ આપવી તે કદાચિત યોગ્ય નથી. આવી ઘટનાઓની સૌથી
દુ:ખદ બાબત એ છે કે, મુઠ્ઠીભર મનોવિકૃતિ ધરાવતા લોકોના કારણે સમગ્ર વિસ્તારના લોકો પ્રત્યે શંકાની સોય
તણાય છે. થોડાક લોકોની આવી ક્રૂર માનસિકતાને કારણે અન્ય નિર્દોષ અને સંવેદનશીલ વ્યક્તિઓ
પણ શંકાના દાયરામાં આવી જાય છે. અલબત્ત સેવાભાવી લોકોએ ગૌવંશની સેવા અને સારવાર માટે
બીડું ઉઠાવવા માટે કમર કસી છે.