ભુજ, તા. 11 : આજના ડિજિટલ યુગમાં સોશિયલ
મીડિયાની શક્તિઓથી સૌ વાકેફ છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટની ક્રાંતિને લીધે આખું વર્ચ્યુઅલ
જગત દરેક જણની હથેળીમાં આવી ગયું છે. સાથે જ અલગ અલગ ફિલ્ડમાં પોતાની ક્રિએટિવિટી બતાવવા
માગતા લોકોને પણ અભિવ્યક્તિનો એક મંચ મળ્યો છે. કચ્છના આવા જ ડિજિટલ ક્રિએટરો અને સોશિયલ
મીડિયા ઈન્ફ્લુએન્સર્સ એક પ્લેટફોર્મ પર આવે અને કચ્છના વિકાસ તેમજ કચ્છીયતની સફરમાં
સામેલ થાય, સાથે જ કોમર્શિયલ ફાયદો
પણ મેળવે એ માટે કચ્છનાં અગ્રણી અખબાર કચ્છમિત્રએ વિશેષ પહેલ કરી છે અને આવા કન્ટેન્ટ
ક્રિએટરો માટે 13મી માર્ચ, શુક્રવારે ભુજમાં `કચ્છમિત્ર ક્રિએટર્સ એલાયન્સ' નામથી એક સેમિનારનું આયોજન કર્યું છે. આ પહેલ
હેઠળ કચ્છના ડિજિટલ ક્રિએટરો એક છત્ર નીચે
આવી શકશે તેમજ અનન્ય કચ્છના વિવિધ પાસાંને વિશ્વ સુધી પહોંચાડવાની તક પણ મળશે. સોશિયલ
મીડિયાના પ્લેટફોર્મ્સ પર પોતાના પ્રભાવને વ્યાવસાયિક સફળતામાં પણ બદલી શકશે તેમને
સંગઠિત કવચ, કોમર્શિયલ પ્રોજેક્ટ, નેટવર્કિંગનો
લાભ મળશે. 13મીએ સવારે 10 વાગ્યાથી ભુજના હોસ્પિટલ રોડ
ખાતેના લાયન્સ હોલમાં આયોજિત આ સેમિનારમાં જોડાવા માટે કચ્છમિત્ર દ્વારા કચ્છના ડિજિટલ
ક્રિએટરો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોને આમંત્રણ આપવામાં આવે છે.