નવી દિલ્હી, તા. 11 : ભારત દેશના
ઇતિહાસમાં સીમાચિહ્ન સમાન ઘટનાક્રમમાં દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે એક ઐતિહાસિક ફેંસલો
આપતાં પહેલીવાર ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે છેલ્લાં 13 વર્ષથી કોમામાં બિછાને પડેલા
31 વર્ષીય બી.ટેક.ના તેજસ્વી વિદ્યાર્થી
હરીશ રાણાને ઇચ્છામૃત્યુ (પેસિવ યુથેનેશિયા)ની મંજૂરી આપી હતી. ગાઝિયાબાદનો હરીશ ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં
અભ્યાસ કરતો હતો. 2013માં હોસ્ટેલના
ચોથા માળેથી પડી જતાં આખાં શરીરમાં લકવો થઇ ગયો હતો. ત્યારથી કોમામાં ચાલ્યો ગયેલ તેજસ્વી
છાત્ર કંઇ પણ બોલી, સાંભળી કે
અનુભવી શકતો નથી. દેશમાં ઇચ્છામૃત્યુની મંજૂરી મળી હોય તેવો આ પ્રથમ મામલો છે. ન્યાયમૂર્તિ
જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે
એઇમ્સને હરીશની જીવનરક્ષક પ્રણાલી (લાઇફ સપોટ સિસ્ટમ) તબક્કાવાર અને ગરિમાભેર
હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. માનસિક અને આર્થિક રીતે ભાંગી પડેલા માતા નિર્મલા અને
પિતા અશોક રાણાની અપીલ સ્વીકારતાં અદાલતે આ ફેંસલો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર
સરકારને ઇચ્છામૃત્યુ પર કાયદો બનાવવા અંગે વિચારવા કહ્યું હતું. અત્યારે ઇચ્છામૃત્યુ
માત્ર સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધાર પર જ
સંભવ છે. આવા મામલામાં દર્દીની સ્થિતિ પર બે મેડિકલ બોર્ડના અભિપ્રાય લેવા જરૂરી
હોય છે. તબીબોએ હરીશ ક્વાડ્રિપ્લેજિયાની બીમારીથી
પીડિત હોવાનું જણાવ્યું હતું. આ દર્દમાં દર્દી પૂર્ણપણે ફીડિંગ ટયુબ એટલે કે,
ખાવા-પીવાની નળી અને વેન્ટિલેટર સપોટ પર નિર્ભર રહે છે, જેમાં સાજા થવાની કોઇ જ સંભાવના બચતી નથી. છેલ્લાં 13 વર્ષથી પથારીવશ હોવાથી હરીશના
શરીર પર ચાંદાનાં કારણે ઊંડા જખમ થઇ ગયા છે. આ સ્થિતિ હરીશ માટે તો બેહદ પીડાજનક છે
જ. સાથોસાથ આવી હાલતમાં પુત્રને જોઇ જોઇને તેના માતા-પિતા પણ માનસિક રીતે થાકી ગયા
છે.વેન્ટિલેટર, દવાઓ, નર્સિંગ, સારવાર પર 13 વર્ષથી સતત ખર્ચનાં કારણે પરિવાર
આર્થિક રીતે પણ તૂટી ગયો છે. જસ્ટિસ પારડીવાલાએ વિલિયમ શેક્સપિયરનાં પ્રસિદ્ધ નાટક
`હેમલેટ'ના `ટુ બી ઓર
નોટ ટુ બી'ના સંદર્ભ સાથે કહ્યું હતું
કે, અદાલતે ઘણીવાર આવા પ્રશ્નોના સંદર્ભમાં `મૃત્યુના અધિકાર' પર વિચાર કરવો પડે છે. ઉલ્લેખ જરૂરી છે કે, 2005માં `કોમન કોઝ' નામની સંસ્થાએ ઇચ્છામૃત્યુના અધિકારની માંગ
સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ નવમી માર્ચ, 2018ના દિવસે તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ
દીપક મિશ્રાના વડપણવાળી પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠે ઇચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી
હતી. તે વખતે સુપ્રીમે કહ્યું હતું કે, કોઇ વ્યક્તિને અસાધ્ય બીમારી હોય તો
પ્રાકૃતિક રીતે મૃત્યુ માટે તેની સારવાર બંધ કરી શકાય છે. - હરીશ રાણાને
`ઈચ્છામૃત્યુ'ની છૂટ આપતાં રડી પડયા જજ : નવી દિલ્હી, તા. 11 : પહેલીવાર ઈચ્છામૃત્યુની મંજૂરી આપનાર સુપ્રીમ કોર્ટના એ ખંડમાં
ભારે ગમગીન વાતાવરણ સર્જાયું હતું. આ ફેંસલો આપતી વખતે ભારે ભાવુક બની ગયેલા ન્યાયમૂર્તિ
જે.બી. પારડીવાલા પોતાનાં આંસુ રોકી શક્યા ન હોતા અને રડી પડયા હત.થોડા સમય માટે તો
તેમના ગળેથી અવાજ પણ નીકળી શક્યો નહોતો. હરીશનો આ મામલો દેશભરમાં ભારે ચર્ચાનો વિષય
બની ગયો હતો. પારડીવાલા સાથે ન્યાયમૂર્તિ વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું હતું કે, તબીબોએ હરીશના સાજા થવાની કોઈ સંભાવના નથી,
તેવું અહેવાલમાં કહી દીધું છે. આવી સ્થિતિમાં અમે હરીશને જીવિત રાખવાની
અનુમતિ આપી નથી શકતા.