• ગુરુવાર, 12 માર્ચ, 2026

નેપાળમાં નવી સરકાર સામે અપેક્ષાઓ અનેક

નેપાળમાં આવેલાં ચૂંટણીનાં પરિણામોએ લોકોની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિબિંબ પાડયું છે. હવે બે તૃતિયાંશ બહુમતી સાથે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) વિજયી થતાં દેશનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.  નેપાળની નવી પેઢીનું નેતૃત્વ કરતા બાલેન શાહના આરએસપી સામે હવે દેશનો વિકાસ સાધવા ઉપરાંત  જૂની સરકારની કામગીરીને બદલવાનો મોટો પડકાર તૈયાર છે. બધું અપેક્ષા મુજબ સમુંસૂતરું પાર ઊતરે તો બાલેનને સત્તાધારી પક્ષના નેતા પસંદ કરાશે અને તેઓ દેશના સંસદીય ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન બનશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી નેપાળમાં કોઈ પણ સરકાર તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકી નથી, પરંતુ આ વખતે આરએસપીને જે રીતે સ્પષ્ટ બહુમતી મળી છે તે જોતાં સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે. નેપાળમાં થોડા સમય અગાઉ જે કાંઈ થયું અને જેન ઝેડના નામે આંદોલન ચાલ્યું તેનાથી દેશમાં એક નવી વિચારધારાનો ઉદય થયો હતો. પરિણામે હાલમાં યોજાયેલી ચૂંટણીમાં નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને યુવા વર્ગે આરએસપીમાં પૂરો ભરોસો વ્યક્ત કર્યો હતો. ચૂંટણીમાં મોટાં ગજાના અન્ય રાજકીય પક્ષો અને નેતાઓ પરાસ્ત થયા છે.  હવે આરએસપી અને તેના નેતા બાલેન શાહની સામે લોકોના ભરોસા અને આકાંક્ષાઓને ફળીભૂત કરવાનો મોટો પડકાર રહેશે.  નવી સરકારે ઘરઆંગણાની સમસ્યાનો ઉકેલ આણવાની સાથોસાથ આર્થિકને ફરી પાટે ચડાવવા પર ધ્યાન આપવું પડશે. ભારત સાથના સંબંધ ફરી સુધારવાનાં પગલાં લેવાની સરકાર પાસે અપેક્ષા રહેશે.  સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જૂની સરકારની સામે યુવાનોમાં જે રીતનો રોષ હતો તેનાં માળખાંમાં ફેરફારનાં નક્કર પગલાં નવી સરકાર માટે અનિવાર્ય બની રહેશે. કાઠમંડુના મેયર તરીકેના કાર્યકાળમાં બાલેન શાહે પાયાના સ્તરે જે ફેરફાર કર્યા તેની અસર આખા દેશમાં જણાઈ રહી છે. નેપાળના લોકો માને છે કે, હવે દેશની હાલત સુધરવાની ક્ષમતા આરએસપી અને તેમના નેતા બાલેન શાહ પાસે છે. હવે પરિણામો જાહેર થયાં છે તે સાથે તેઓ દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની સામે કડક કાર્યવાહી કરીને સરકારી વ્યવસ્થામાં ભારે સાફસુફી કરશે એવી આશા લોકો રાખી રહ્યા છે.  સૌ કોઈ જાણે છે કે, દેશમાં બેરોજગારીની સમસ્યાને લીધે યુવા વર્ગનો રોષ ફાટી નીકળ્યો હતો. નવી સરકારે આ મુદ્દે નક્કર પગલાં લેવા પર તાકીદે ધ્યાન આપવું પડશે. છ મહિના અગાઉ સરકારમાં પારદર્શકતાના અભાવ અને ભ્રષ્ટાચારના મામલે યુવાનોના વ્યાપક આંદોલનમાંથી ઊભા થયેલા બાલેન શાહ અને તેમના આરએસપી હવે સરકારની રચના બાદ દેશના નાગરિકોની અપેક્ષાને કઈ રીતે પરિપૂર્ણ કરે છે એ આવનારો સમય કહી શકશે. 

Panchang

dd