• ગુરુવાર, 12 માર્ચ, 2026

ભચાઉ તલાટીના રેકોર્ડ રૂમમાં લાગેલી આગ સાત કલાકે કાબૂમાં આવી

ભચાઉ, તા. 11 : શહેરની ભાડા ઓફિસ સંલગ્ન તલાટીના રેકોર્ડ રૂમમાં રાત્રિના બે વાગ્યાના અરસામાં લાગેલી આગ સાત કલાકે કાબૂમાં આવી હતી. નગરપાલિકાના ફાયર વિભાગે તુરંત ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવીને વિકરાળ આગને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન લગભગ 12 હજાર લિટર પાણીનો ઉપયોગ થયો હતો. ફાયર વિભાગ દ્વારા રોડલાઈટ વાહનનો ઉપયોગ કરીને પતરાં ખોલીને ધુમાડો બહાર કાઢવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂકંપ નવનિર્માણ પામેલાં નગરમાં પ્રાંત કચેરી સહિતની અનેક સરકારી ઇમારતો વિશાળ સંકુલમાં પરિણમી છે, પરંતુ ભાડાની તલાટી કામગીરી એકાંત સ્થળે કાર્યરત હતી, જેમાં ભેદી સંજોગો વચ્ચે ભીષણ આગ ફાટી નીકળી હતી. મધ્યરાત્રિએ લાગેલી આગને કાબૂમાં લેતાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને આ દુર્ઘટનામાં સરકારી સાહિત્યને ખૂબ મોટી હાનિ થઈ છે, ત્યારે અગમ્ય કારણોસર લાગેલી આગથી નગરજનોમાં તર્ક-વિતર્ક ફેલાયા છે. આ બનાવની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. 

Panchang

dd