ભુજ, તા. 22 : મુંદરા તાલુકાના ડેપાની સીમમાંથી
રૂા. 2.40 લાખના વાયરની ચોરી થઇ છે. આ
ઉપરાંત લખપત તાલુકાના માતાના મઢના વાડી વિસ્તારમાં ત્રણ વાડીના બોરવેલના વાયરોની તસ્કરીનો
બનાવ સામે આવ્યો છે. આજે પ્રાગપર પોલીસ મથકે મૂળ બનાસકાંઠાના હાલે ડેપા રહેતા વસીમખાન
જાવેદખાન બિહારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 29/6થી 30/6 દરમ્યાન કોઇ
અજાણ્યા ચોર ઇસમ ડેપાની સીમમાંથી આશરે 24000 મીટર કેબલ જેની કિં. રૂા. 2.40 લાખની ચોરી કરી ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ
શ્રી ચાવડાએ હાથ ધરી છે. બીજીતરફ આજે દયાપર પોલીસ મથકે માતાના મઢ રહેતા ખેડૂત રામજીભાઇ
વીરજીભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે સાંજે તેમની વાડીથી પરત ફર્યા બાદ આજે
સવારે જઇ મોટર ચાલુ કરવા જતાં ચાલુ ન થતાં બોર પાસે જતાં કેબલ કપાયેલો હતો અને ચોરી
થયેલો હતો. આસપાસ તપાસ કરતાં મહેશભાઇ જેઠાલાલ પટેલની વાડીના અને કરશનભાઇ દેવજીભાઇ પટેલની
વાડીના પણ આ જ રીતે બોરવેલના કેબલની ચોરી થયાનું જણાવ્યું હતું. આમ, ગત તા. 14/7થી 22/7 દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ
ફરિયાદી રામજીભાઇની વાડીમાંથી રૂા. 7200 અને મહેશભાઇની વાડીમાંથી રૂા. 3240 અને કરશનભાઇની વાડીમાંથી રૂા.
3600 એમ કુલે રૂા. 14,040ના વાયરની ચોરી કરી લઇ ગયા
છે. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.