ગ્લાસગો, તા. 22 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026નો ગુરુવારથી ધમાકેદાર પ્રારંભ
થશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ પાછલાં 32 વર્ષમાં સૌથી નાનો રાષ્ટ્રમંડળ રમતોત્સવ બની રહેશે. 2022માં બર્મિંગહામ ખાતે યોજાયેલા
કોમનવેલ્થ ગેમ્સમાં 20 રમતો સામેલ
હતી. જે સામે આ વખતે ગ્લાસગોમાં તેનાથી અરધી 10 રમતો જ સામેલ કરાઈ છે. છેલ્લે 1994માં કેનેડાના વિકટોરિયા કોમનવેલ્થ
ગેમ્સમાં 10 રમત સામેલ હતી. ગ્લાસગો કોમનવેલ્થ
ગેમ્સમાં આ વખતે હોકી, બેડમિન્ટન,
કુસ્તી, શૂટિંગ, ટેબલ ટેનિસ
જેવી રમતો સામેલ નથી. આથી ભારતની ચંદ્રક સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં
ભારતે કુલ 61 મેડલ કબજે કર્યા હતા અને મેડલ
ટેલીમાં ચોથા ક્રમે રહ્યું હતું. આ વખતે ભારતને ચંદ્રકની મુખ્ય આશા એથ્લેટિક્સ, વેઇટ લિફટર અને મુક્કેબાજો પાસેથી રહેશે. ગ્લાસગો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ 12પ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. જેમાં 77 પુરુષ અને 48 મહિલા એથ્લેટ છે. આ ખેલાડીઓ
પેરા સ્પોર્ટ્સ સહિત કુલ 13 રમત સ્પર્ધામાં
ભાગ લેશે. એથ્લેટિક્સમાં સૌથી વધુ 32 ખેલાડી છે. આ પછી અનુક્રમે મુક્કેબાજી (14), જૂડો (14), વેઇટ લિફ્ટિંગ (12)ના નંબર આવે છે. ભારત માટે
નિરજ ચોપરા (ભાલા ફેંક), મીરાબાઈ ચાનૂ
(વેઇટલિફ્ટિંગ), લવલીના, જેસ્મિન,
સાક્ષી અને પ્રીતિ (મુકકેબાજી), તુલિકા માન (જૂડો),
લોન બોલ્સ ટીમ અને પેરા એથ્લેટિકસમાં સોમન રાણા સહિતના કેટલાક ખેલાડી
ગોલ્ડ મેડલના દાવેદાર છે.