• ગુરુવાર, 23 જુલાઈ, 2026

સંસ્કૃત માત્ર એક ભાષા નહીં, પરંતુ ભારતીય જ્ઞાન પરંપરાનું પ્રતીક

ભુજ, તા. 22 : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર હેતુને સાકાર કરવા માટે ભુજની આર.આર. લાલન કોલેજને સંસ્કૃત કક્ષ માટે અપાયેલી વિશેષ ગ્રાન્ટમાંથી તૈયાર થયેલા સંસ્કૃત કક્ષનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરાયું હતું. ગવર્નમેન્ટ લો કોલેજ - રાજકોટના આચાર્ય ડો. કે.કે. બુદ્ધભટ્ટી, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના જોરાવરસિંહ રાઠોડ, ઝવેરીલાલ સોનેજી, મહેન્દ્રભાઈ ઠક્કર તેમજ મિહિરભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય બાદ આચાર્ય ડો. સી.એસ. ઝાલાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. મેહુલ શાહે સંસ્કૃત કક્ષના મહત્ત્વ વિશે માહિતી આપી હતી. કક્ષમાં સંસ્કૃત અને વિજ્ઞાન, ભરતમુનિ રચિત નાટયશાત્ર, કૌટિલીય અર્થશાત્ર વગેરે વિષયોના પોસ્ટર, સંસ્કૃત ભાષાની શબ્દ રમતો, ચિત્રપોથીઓ તેમજ સંસ્કૃત વિષયના પુસ્તકો, પુરાણો વગેરેનો સમાવેશ કરાયો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે કેશુભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. તેમણે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. કોલેજના સંસ્કૃત કક્ષ સંયોજક ડો. અત્રિકુમાર રાજગોર, આસિ. પ્રો. મેહુલ પુરોહિત તથા મહિલા પ્રાધ્યાપક માધવીબેન ધોળકિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વ્યાસ મયૂરી, ચાકી સાનિયા, વોરા હિરલ, શર્મા એન્જલ, રાજગોર હિત, કાપડી કૃષિ, વરસાણી ગૌતમ, મોતા નીર વગેરે સહયોગી રહ્યા હતા.  

Panchang

dd