ગાંધીધામ, તા. 22 : શહેરના કેસર આર્કેડ ખાતે ઈનાયત
કાર્ગો કેરિયર નામની કંપની ચલાવતા વેપારી સાથે કાર્ગો લોડિંગ-અનલોડિંગ અને સ્ટિવડોરિંગનાં
કામ પેટે નીકળતા રૂા. 50.83 લાખ ન ચૂકવી
છેતરપિંડી કરનારા શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. ખારી રોહરમાં રહેતા હાજી યાકુબ જંગિયા
નામના યુવાને આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2017માં આ ફરિયાદીની મુંદરા ખાતે
સામાજિક પ્રસંગે ત્યાંના ઈમરાન સલીમ જત સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ
હતી અને વારંવાર મળતા હતા. આરોપીએ રોયલ મિનરલમાં સ્ટોન ચિપ્સ (કાંકરી)નું હેન્ડલિંગ
તથા સ્ટિવડોરિંગનું કામ કરતા હોવાનું કહ્યું હતું. ફરિયાદીએ થોડું કામ આપો તેવું કહ્યું
હતું. પ્રથમ કામ આપતાં ફરિયાદીએ તે કરી આપતાં તેના પૈસા ચૂકવી આપ્યા હતા. પછી બીજુ
કામ આપી વિશાલ ટ્રેડિંગ પણ મારી કંપની અને હું તથા રાજન બાલસરા તેમાં ભાગીદાર છીએ તમે
હવે બીજા વેસલ હેન્ડલિંગ કામના તથા પોર્ટ ડ્યૂઝના ચૂકવણા વિશાલ ટ્રેડિંગમાંથી મળી જશે
તેવું ફરિયાદીને મુંદરાના આ શખ્સે કહ્યું હતું. તા. 25/12/2023ના ઈમરાને બીજું કામ આપ્યું
હતું. કામ પૂર્ણ થયા બાદ રૂા. 92,19,513માંથી
રૂા. 41,34,145નું ચૂકવણું કરી દેવાયું હતું.
બાકી નીકળતા રૂપિયાની માગણી કરાતાં પછી આપીશ તેવી ખાતરી, વિશ્વાસ આપ્યો હતો. બાદમાં ફરિયાદીએ વારંવાર
ફોન કરતાં રૂપિયા આપી દઈશ, વારંવાર ફોન કરતા નહીં તેવું જણાવ્યું
હતું. બાદમાં ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. ફરિયાદી મુંદરા ખાતે આરોપીની ઓફિસે જતાં
મારા પિતા મુંદરાના નામચીન છે. મોટી રાજકીય વગ ધરાવે છે. પોલીસ અમારું કાંઈ કરી શકશે
નહીં તેવું જણાવી દીધું હોવાનું પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં લખાવાયું હતું. બાદમાં
ફરિયાદીની ઓફિસે આવી તારા રૂપિયા ભૂલી જા નહિતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.