ભુજ, તા. 22 : નીટ પરીક્ષાના પેપર લીક કાંડના
કારણે કચ્છ સહિત દેશના લાખો વિદ્યાર્થીના સપનાં ચકનાચૂર થયાં છે, ત્યારે કેન્દ્રના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
રાજીનામું આપે અને આખાય કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસે
ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડના પડઘા
પણ આ વિરોધ કાર્યક્રમ દરમિયાન પડયા હતા. કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો
આ લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી અપાઇ હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે
જણાવ્યું હતું કે, નીટ જેવી રાષ્ટ્રીય પરીક્ષામાં પ્રશ્નપત્ર
લીક, ગેરરીતિઓ અને પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા થવા છતાં કેન્દ્રીય
શિક્ષણ મંત્રી પદ પર ટકી રહ્યા છે, તે દેશ માટે શરમજનક બાબત છે.
તેમણે વધુમાં કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી
તાત્કાલિક રાજીનામું આપે, નહીં તો કોંગ્રેસ રાજ્યભરમાં ઉગ્ર જનઆંદોલન
શરૂ કરશે. કોંગ્રેસ દ્વારા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું
આપે, નીટ કૌભાંડની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાય,
પ્રશ્નપત્ર લીકમાં સંકળાયેલા તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં
આવે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય માટે જવાબદાર અધિકારીઓને
સસ્પેન્ડ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ન બને તે માટે પારદર્શક અને વિશ્વસનીય
પરીક્ષા પ્રણાલી અમલમાં મુકાય તેવી માગણી કરાઈ છે. કલેક્ટર કચેરી ખાતે રજૂઆત સમયે વિરોધ
ઉગ્ર બનતાં એક સમયે માહોલ ગરમાયો હતો. પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનિચા, અરજણ ભુડિયા, રામદેવસિંહ જાડેજા, ગનીભાઇ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, કલ્પનાબેન જોશી, પી.સી. ગઢવી, એચ.એસ.
આહીર, જુમા નોડે, જિલ્લા પંચાયત સભ્ય રાજેશ આહીર, સુલતાનસિંહ
સોઢા, તાલુકા પ્રમુખ લાખાજી સોઢા, શંભુભાઇ
ડાંગર, વિરમ ગઢવી, શહેર પ્રમુખ કિશોરદાન
ગઢવી, યુવરાજસિંહ વાઘેલા, લખમીર રબારી,
ડો. રમેશ ગરવા, ઇલિયાસ ઘાંચી, વેરશી મહેશ્વરી, મુસ્તાક હિંગોરજા, માવજી મહેશ્વરી, ઋષિરાજસિંહ જાડેજા, ખેતશી ગજરા, જેબુનીશાબેન ખત્રી, ભાવનાબા જાડેજા, નગરસેવકો કાસમ કેવર, ફકીરમામદ કુંભાર, ચંદ્રાબેન ઘનશ્યામ સોની, ફાતમાબેન સમા, ચેતન શાહ, આદિલ જત, રાણબાઇ મહેશ્વરી,
અંજલિ ગોર, પૂજન ગોર, તાલુકા
પંચાયત સભ્યો મીરાબેન દાનાભાઇ આહીર, પ્રવીણભાઇ આહીર, મંજુલાબેન સુરેશભાઇ બત્તા, સુરેન્દ્રસિંહ ઝાલા,
ખીમરાજ ગીલવા સહિત જોડાયા હતા.