• ગુરુવાર, 23 જુલાઈ, 2026

કચ્છની બે નૃત્યાંગનાએ ગ્રીસમાં રજૂ કર્યો કલાવારસો

રાજકોટ, તા. 22 : ભારતીય શાસ્ત્રીય કલાની સમૃદ્ધ પરંપરામાં ઉછરેલી બહેનો વંશી ઉપાધ્યાય અને આશી ઉપાધ્યાયે ગુજરાત અને કચ્છના સાંસ્કૃતિક વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જાણીતા ભરતનાટયમ કલાકાર અને ગુરુ મીરા નિગમ તથા સુગમ સંગીતના પ્રતિષ્ઠિત કલાકાર નિગમ ઉપાધ્યાયની પુત્રીઓ વંશી અને આશીએ તાજેતરમાં ગ્રીસના એથેન્સ ખાતે યોજાયેલા `ચોથા વર્લ્ડ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયન ડાન્સ'માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મહોત્સવનું આયોજન ઈન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ (સીઆઈડી)-યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યું હતું.  વિશ્વભરના પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય કલાકારોને એકત્રિત કરનાર આ મહોત્સવમાં ભારતીય નૃત્ય પરંપરાની વૈવિધ્યસભર અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વંશી અને આશીએ અહીં માત્ર ભારતનું જ નહીં, પરંતુ ગુજરાત અને કચ્છનું પણ પ્રતિનિધિત્વ કરતાં ભરતનાટયમની સુંદર રજૂઆત કરી હતી. ગ્રીસ પ્રવાસ દરમિયાન તેમને સીઆઈડી-યુનેસ્કોના પ્રમુખ ડો. અલ્કિસ રાફિટ્સ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતીય શાસ્ત્રીય નૃત્યના સંરક્ષણ, સંવર્ધન અને વિશ્વસ્તરે તેના પ્રચાર માટે યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. બંને બહેનો વર્ષ 2026 માટે સીઆઈડી-યુનેસ્કોના સભ્યો પણ છે અને વિદેશમાં ભારતીય શાસ્ત્રીય કલાના સાંસ્કૃતિક દૂત તરીકે કાર્ય કરી રહ્યા છે.  વંશી અને આશીનું બાળપણ સંગીત અને નૃત્યના માહોલમાં પસાર થયું હતું. માતા મીરા નિગમને ભરતનાટયમની સાધના કરતાં અને પિતા નિગમ ઉપાધ્યાયને સુગમ સંગીત દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતાં જોઈને બંને બહેનોમાં નાની ઉંમરથી જ કલા પ્રત્યેનો પ્રેમ વિકસ્યો હતો. તેમના માતા-પિતા મીરા નિગમ અને નિગમ ઉપાધ્યાયે સ્તુતિ ઈન્સ્ટિટયૂટ ઓફ પરફોર્મિંગ આર્ટસ દ્વારા દાયકાઓથી ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે કાર્ય કર્યું છે. આ સંસ્થાની શાખાઓ આજે રાજકોટ, જૂનાગઢ અને ટોરોન્ટો (કેનેડા)માં કાર્યરત છે. તેમના ગુરુ અને માતા મીરા નિગમ, જેઓ પદ્મભૂષણ ગુરુ સી.વી. ચંદ્રશેખરજીના શિષ્યા છે, તેમના માર્ગદર્શન હેઠળ વંશી અને આશીએ બાળપણથી જ ભરતનાટયમની તાલીમ શરૂ કરી હતી. વર્ષોની કઠોર સાધના અને શિસ્ત બાદ બંને બહેનોએ પરંપરાગત ભરતનાટયમ માર્ગમ પૂર્ણ કરી વર્ષ 2013માં પોતાનું અરંગેત્રમ રજૂ કર્યું, જે તેમની કલાયાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સોપાન રહ્યું હતું. 

Panchang

dd