• ગુરુવાર, 18 જૂન, 2026

સિંહ અને મનુષ્યના સહઅસ્તિત્વ સામે પડકાર

ગીરના સિંહોનું વેકેશન એક અઠવાડિયું પાછું ઠેલાયું છે. 16મી જૂનથી જંગલમાં પ્રવેશ બંધ થઈ જતો, તેને બદલે 23મી જૂને આ વખતે પ્રવાસીઓનો પ્રવેશ બંધ થશે. કારણ એ છે કે, ચોમાસાંના કોઈ સગડ આકાશ કે પવનમાં દેખાતા નથી. સિંહદર્શન, ગીરનું સૌંદર્ય કે પછી ક્યાંક કોઈ રસ્તા ઉપર આવી જતા સિંહનો વીડિયો રોજિંદી બાબત છે. હમણા ફરી ગીર ચર્ચામાં રહ્યું. સિંહની બીમારી સંદર્ભે આખરે વન વિભાગે જનતાને સમજાવી દીધું કે સિંહના મૃત્યુ સીડીવી કે અન્ય કારણે થયા નહોતા, બેબેસિયા - ઈતરડીને લીધે તે બીમારી ફેલાઈ હતી. હવે જે સમસ્યા છે તે ફરી માનવભક્ષી બની રહેલા સિંહની છે. પ્રાણીઓ અને મનુષ્યોનું સહઅસ્તિત્વ ગીરના વનની વિશેષતા છે. ગીર ભૂખંડ નહીં પરંતુ એક પરંપરા છે. ગીર કે તેની આસપાસ વસતા લોકો સિંહનાં સંવર્ધન માટે શક્ય હોય ત્યાં સુધી પૂરતો સહયોગ આપે છે. અન્ય વિસ્તારમાં વસતા નાગરિકોને મળતી રસ્તા વગેરેની સુવિધાઓ ન મળે તો પણ ચલાવી લેવાની તેમની તૈયારી હોય છે, પરંતુ દીપડો કે સિંહ માનવભક્ષી બને ત્યારે ઉદ્વેગ વધે છે. વનમાં-નેસમાં માલધારીઓ વસતા કે વસે છે તેના પશુઓનો શિકાર થાય તો પ્રતિપ્રહાર થતા નથી, આપણે તો હવે એવું થયું છે કે, નેસને બહાર કઢાયા અને રિસોર્ટ જંગલની અંદર થઈ ગયા. પરિણામે વન વિસ્તાર સિવાય પણ સિંહનો વિહાર વધ્યો છે ત્યાં જઈને તે પશુ ઉપરાંત માનવીનો શિકાર કરતા હોવાના કિસ્સા પણ નોંધાય છે. સિંહને રોયલ પ્રાણી કહેવાય છે. માનવી ઉપર અકારણ હુમલો કરવાની તેની પ્રકૃતિ નથી તેવું નિષ્ણાતો, સિંહપ્રેમીઓ વારંવાર કહેતા હોય છે. છેલ્લા કેટલાક બનાવ તેમ છતાં ચિંતા કરાવે છે. વાડીવિસ્તારમાં વસતા પરિવારના પાંચ વર્ષનાં બાળકને સિંહે ફાડી ખાધું, ગીર-સોમનાથના ઉના વિસ્તારમાં રાત્રે ઘઉંના પાકને પાણી આપી રહેલા 45 વર્ષના ખેડૂત ઉપર હુમલો કર્યો હતો. ખેડૂતે બૂમાબૂમ કરી, લોકો આસપાસથી આવ્યા એટલે સિંહ નાસી ગયો, પરંતુ આવું ક્યારે થાય તે નક્કી નહીં. રાજુલાના કોવાયા ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો હોવાની ઘટના સોમવારની જ છે. દર વખતે કારણ તો સરખાં બહાર આવે છે. સિંહને વન વિસ્તાર ઓછો પડે છે. 10,000 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું ગીર હવે 30,000 ચોરસ કિલોમીટરમાં વ્યાપેલું છે. 891 સિંહ ગીરમાં છે, જંગલની ક્ષમતા કરતાં આ સંખ્યા વધારે છે. જંગલમાં ખોરાક પર્યાપ્ત નથી. ધારી, બગસરા, ખાંભા જેવાં ગામોમાં રાત્રે સિંહનાં ટોળાં ફરતા હોવાના બનાવ બને છે. અગાસી કે ફળિયામાં સૂવાનું લોકોએ ઓછું કર્યું છે, પરંતુ આ ચર્ચા જ કર્યે કશું થશે નહીં. આ સમસ્યાનો હવે નક્કર ઉપાય શોધવો જરૂરી છે. સિંહનું સંવર્ધન જરૂરી છે. પર્યાવરણની દૃષ્ટિએ વન્ય સંપદા જળવાય તે જરૂરી છે અને સિંહ આપણા દેશ અને પરદેશના પ્રવાસીઓનું પણ આકર્ષણ છે.  આ તમામ બાબતોના સ્વીકાર પછી માનવજિંદગી પણ અમૂલ્ય છે. જંગલમાં જઈ રહેલા મનુષ્ય ઉપર હુમલો થાય તો સમજી શકાય, ખેતરમાં કામ કરતી વ્યક્તિ ઉપર પણ જોખમ હોય તો તે વિચારવાનો પ્રશ્ન છે. વન વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગ થાય, માનવભક્ષી સિંહની વિજ્ઞાની ઢબે પરખ થાય અને તેની સારવાર થાય, પૂરતો સ્ટાફ હોય, જે સ્ટાફ હોય તે કામ કરે, ગુજરાતમાં જ જ્યાં સિંહને સાનુકૂળ વાતાવરણ છે ત્યાં તેનો વસવાટ થાય, ગીર ઉપરથી ભારણ ઘટે, વાડીવિસ્તારમાં રહેતા શ્રમિકો માટે સુરક્ષિત આશ્રય સ્થાનો ખેતર-વાડીના માલિક બનાવે એવા બહુઆયામી કામો થવા જરૂરી છે. જંગલમાં સિંહ અને જંગલની બહાર માનવી બન્ને સલામત રહે તે  જરૂરી છે.  

Panchang

dd