ગાંધીધામ, તા. 17 : અંતરજાળમાં રહી ટ્રાન્સપોર્ટનો
વ્યવસાય કરનાર યુવાનને સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી બાદમાં વારંવાર રૂપિયા માગી
અને અંતે પ્લોટ પણ પોતાના પતિનાં નામે કરાવી દેવાની ધમકી આપનાર મહિલા તથા તેના પતિ
સામે ગુનો નોંધાયો હતો. અંતરજાળની રોયલ ક્રિષ્ના સોસાયટીમાં રહેનાર પારસ રાજેશ મેઘાણીએ
બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 30-4-2025ના સોશિયલ મીડિયા ઇન્સટાગ્રામ ઉપર તેને એક ફ્રેન્ડ રિકવેસ્ટ
આવતાં તેણે સ્વીકારી હતી. બાદમાં બંને વચ્ચે વાતો થઇ હતી અને મોબાઇલ નંબરની આપ-લે થઇ
હતી. આ મહિલાએ આદિપુર ખાતે એક્સિસ બેંક પાછળ મળવા બોલાવ્યા હતા, જ્યાં તેણે પોતાનું નામ રુચિ સોની હોવાનું કહ્યું
હતું. બાદમાં બંને વચ્ચે વાતો થતી હતી અને રુતિ સોની તથા તેનો પતિ મનોજ બંસીલાલ સોની
ફરિયાદીના ઘરે આવજા કરતા હતા. દરમ્યાન મહિલાએ દીકરીના ખર્ચ માટે રૂા. 22,000 માગતા ફરિયાદીએ ઓફિસમાં કામ
કરતા કર્મચારી થકી તે મોકલી આપ્યા હતા. પછી પતિનો ધંધો ચાલતો નથી અને ઘરખર્ચ માટે ફરીથી
રૂા. 15,000 માગ્યા હતા, જે ફરિયાદીએ આપી દીધા હતા. તેવામાં મનોજ સોનીએ
સુશીલા દેવીનાં ખાતાં નંબર આપી તેમાં રૂા. 75,000 નાખવાનું કહેતાં ફરિયાદીએ ઓનલાઇન ચૂકવી આપ્યા હતા. રુચિ સોનીના
જન્મદિવસે ફરિયાદીએ સોનાંની રિંગ, સોનાંની
ચેઇન, સોનાંનું બ્રેસ્લેટ માંગ પ્રમાણે ખરીદી આપ્યું હતું અને
ફરીથી રૂા. 15,000 માગતાં
ફરિયાદી યુવાને આપ્યા હતા તેમજ જુદા-જુદા સમયે રૂા. 2,19,400નું શોપિંગ કરાવ્યું હતું.
ફરિયાદીએ તુણા ખાતે પોતાની પત્ની તથા આરોપી મનોજ સોનીનાં નામે ભાગીદારીમાં પ્લોટ ખરીદ્યા
હતા, દરમ્યાન રુતિએ તારી પત્નીનાં નામે પ્લોટ છે
તે મારા પતિનાં નામે કરી આપ નહીંતર તને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને
પ્લોટ પોતાનાં નામે કરવા દસ્તાવેજ ટોકન પણ લઇ લીધું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ
કરી આગળની તપાસ હાથ ધરી છે.