• ગુરુવાર, 18 જૂન, 2026

દબાણ થયું... તોડાયું... ફરી દબાણ... આ રોગ ઊગતો જ ડામી દ્યો

ભુજ, તા. 17 : કચ્છમાં સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો તોડવાનું મોટાપાયે શરૂ થયું છે. ભૂમાફિયા વનતંત્ર હસ્તકની જમીનો છોડતા નથી. વારંવાર દબાણ થાય, તોડાય, ફરી થઇ જાય એ ચલકચલાણું જોઇને નાગરિકોનાં મનમાં સહેજ સવાલ જાગે કે, આટલી મોટી કિંમતી જમીનો પર પેશકદમી થતી હોય છે, ત્યારે વહીવટી તંત્રની તેના ઉપર શા માટે નજર જતી નથી ? ખરેખર તો પ્રશાસનની એવી ધાક હોવી જોઇએ કે, અસામાજિક તત્ત્વો દબાણની હિંમત જ ન કરે... જાગૃત નાગરિકો કહે છે કે, સામાન્ય વ્યક્તિ દ્વારા પણ ખોટી રીતે બાંધકામ થાય છે. માલિકીની જગ્યા ન હોવા છતાં તંત્રના નાક નીચે બિન્ધાસ્ત લાખો રૂપિયાના ખર્ચે પાકા મકાન કે દુકાનો ચણાઇ જાય છે. રહેણાક બને, ધંધો ખૂલે, લાઇટ-પાણી જોડાણો મળી જાય છે. સરકારી સેવાઓ મેળવવી સરળ નથી હોતી. કાયદેસરના મકાનો બંધાયા બાદ લાઇટ, પાણી અને ગટરનાં જોડાણો મેળવવા નાકે દમ આવી જાય છે. બાંધકામની મંજૂરીથી માંડી જમીનના દસ્તાવેજ માગવામાં આવે છે. અહીં પ્રશ્ન એ છે કે, દબાણવાળી જગ્યાએ આવું કંઇ જ નહીં... બધું લીલાલહેર... દબાણ કરનારાં પરિબળો તંત્રની મીઠી નજર હેઠળ ગામ-શહેર તો ઠીક હાઇ-વે ઉપરે હોટેલ, કેબીનો કે ધંધા માટે કાચાં-પાકાં બાંધકામ કરી લે છે. ગાંધીનગર જતા કે કચ્છમાં પોતાનાં કામે નીકળતા અધિકારીઓ, જનપ્રતિનિધિઓની નજરે આ ચડતું નહીં હોય ? આ તે કેવો અભિગમ ? હકીકતમાં તંત્રનું છાનું નેટવર્ક કામ કરતું હોવું જોઇએ, જે ગેરકાયદે કામો ત્યાં જઇને અટકાવી દે અથવા તો દબાણ દૂર કરવાનો ગંજાવર ખર્ચ દબાણકાર પાસે વસૂલવો જોઇએ... ઘણીવાર જાગૃત નાગરિકો ધ્યાન દોરવા આગળ આવે છે. કોઇ અરજદાર લેખિતમાં રજૂઆત કરે તો પહેલાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા જણાવાય છે. અરે, સરકારી જમીન છે, તપાસ કરવાની ફરજ પ્રશાસની છે અને દબાણકારોને નોટિસ પાઠવવામાં આવે તો ફરિવાદીનાં નામ સાથે કહેવામાં આવે કે, ફલાણા ફરિયાદીની ફરિયાદ પ્રમાણે તમે દબાણ કર્યું છે, આવું તંત્રનું વલણ પણ યોગ્ય નથી. ઉપરાંત એક વખત દબાણ તોડીને તંત્ર મોટો હાશકારો લઇ લે છે અને દબાણકારો પુન: અઠવાડિયાંમાં જ જ્યાં હતા ત્યાં જ ગોઠવાઇ જાય છે અને ફરીથી ધંધા-રોજગાર ગેરકાયદે કરે છે. તંત્ર - સરકારનો ખોફ નહીં અનુભવાય તો આ પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહેવાની. 

Panchang

dd