ગાંધીધામ, તા. 17 : અંજાર તાલુકાના ટપ્પર નજીકથી
રૂા. 79,52,400ના શરાબ પ્રકરણમાં દુધઇ પોલીસના
બે કર્મીની બેદરકારી સામે આવતા બંનેને સસ્પેન્ડ કરાયા હોવાનું બહાર આવ્યું છે. દુધઇ
પોલીસ મથક વિસ્તારમાં આવતા ટપ્પર નજીકથી એલસીબીએ રૂા. 79,52,400નો દારૂ ઝડપી પાડયો હતો, જેમાં કાર્યવાહી વખતે એકેય આરોપી ઝડપાયા નહોતા.
દરમ્યાન પોલીસે દોડધામ આચરીને જગમાલ રામજી
ભરવાડ (બામકા), મંગલસિંઘ ઉર્ફે સરદાર પ્રતાપસિંઘ હરવંશી,
મહેશ ઉર્ફે પરેશ ધના મરંડ (આહીર), સોનુ બબનસિંઘ
ભારદ્વાજ, સુનીલ ઇશ્વર રવિદાસ, રામસુદાજી
રામ આધારરાય, વિકાસ રામ આધારરાય, દિલીપકુમાર
ઉર્ફે બાંડિયા રાજારામ મહંતો, ગોલુકુમાર વિનોદ મહંતોની ધરપકડ
કરી હતી. એલસીબીની આ સફળ અને ગુણવત્તાસભર કાર્યવાહી બાદ પોલીસ અધિકારીઓએ સમાંતર ખાતાકીય તપાસ પણ કરી હતી. જેમાં બે કર્મીની
બેદરકારી કે સંડોવણી બહાર આવતાં બંનેને સસ્પેન્ડ કરાયા હતા. આ વાતને પોલીસવડા સાગર
બાગમારે સમર્થન આપ્યું હતું. પૂર્વ કચ્છમાં હાલમાં તેમજ અગાઉ પણ એસ.એમ.સી.ની ટીમે લાખોનો
દારૂ, કોલસા વગેરે પકડી પાડયા છે, ત્યારે
અગાઉ ખાસ કોઇ પગલાં લેવાયા હોય તેવું જાહેર
થયું નથી. ત્યારે આ વખતે બે કર્મીને સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ચકચાર પ્રસરી છે તેમજ
નાના કર્મીઓ સાથે અધિકારીઓની સંડોવણી કે બેદરકારી બહાર આવે તો તેમના સામે પણ પગલાં
લેવા જોઇએ તેવો ગણગણાટ બેડામાં સાંભળવા મળ્યો હતો.