ભુજ, તા. 17 : લખપતના અંતરિયાળ ગામોમાં વસતા
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘરઆંગણે જ ગુણવત્તાસભર પ્રાથમિક તબીબી સુવિધાઓ મળી
રહે તે હેતુથી સેવા પ્રકલ્પનો પ્રારંભ કરાયો છે. લેવા પટેલ હોસ્પિટલ પરિસર ખાતે યોજાયેલા
સમારોહમાં લખપત પંથકના 26 ગામો માટે
સાપ્તાહિક રૂટ શેડ્યૂલ ધરાવતી અદ્યતન `મોબાઇલ મેડિકલ યુનિટ'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવા પ્રકલ્પ MCX CCL કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી
સહયોગ અપાયો છે. સેવા ઇન્ટરનેશનલ દ્વારા પ્રોજેક્ટનું અમલીકરણ કરાયું છે. આ મોબાઇલ
હોસ્પિટલને તબીબો, નર્સિંગ સ્ટાફ
અને દવાઓની જવાબદારી એમએમપીજે હોસ્પિટલ સંભાળશે. આ મિશનને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટનો
સહકાર મળ્યો છે. કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરાયો
હતો. સમાજના ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયાએ શાબ્દિક સ્વાગત કરી સંસ્થાકીય પરિચય આપ્યો
હતો. `કચ્છ હંમેશા આપત્તિઓને અવસરમાં બદલનારો
પ્રદેશ રહ્યો છે. છેવાડાના માનવી સુધી તબીબી સેવાઓ પહોંચે ત્યારે તે ઈશ્વરીય કાર્ય
બની જાય છે. કોર્પોરેટ જગત, સેવા સંસ્થા
અને હોસ્પિટલ વહીવટી તંત્રનો આ ત્રિવેણી સંગમ સરહદી વિસ્તાર માટે વરદાન સાબિત થશે તેવું
જણાવ્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા મેડિકલ ટ્રસ્ટના
પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, આરએસએસના જિલ્લા સંઘ ચાલક હિંમતસિંહજી
વસણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ સાંસદ
વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની
સ્વાસ્થ્ય યોજનાઓ સાથે સામાજિક સંસ્થાઓ પણ આગળ આવે છે ત્યારે છેવાડાના ગામડાઓ સશક્ત
બને છે. અને લેવા પટેલ સમાજ દ્વારા સંચાલિત એમ એમ પી જે અને કે કે પટેલ બંને હોસ્પિટલ
કચ્છ માટે આશીર્વાદ રૂપ છે. વિશિષ્ટ અતિથિ અને અબડાસા-લખપત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજાએ આ વૅન શરૂ કરવા બદલ આભાર માની ગ્રામીણ જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ
કર્યો હતો. સેવા ઇન્ટરનેશનલના ટ્રસ્ટી જાદવજીભાઈ ગોરસિયાએ પ્રોજેક્ટનો હેતુ સ્પષ્ટ
કર્યો હતો, જ્યારે MCX CCL ના સી ઓ ઓ સુંદરરાજનજીએ સંસ્થાની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવી
હતી. દાતા સંસ્થા MCX CCL દ્વારા
ટ્રસ્ટના અગ્રણીઓને પ્રતીકાત્મક ચાવી સુપ્રત કરાઈ હતી. સાંસદ શ્રી ચાવડા અને ધારાસભ્ય
શ્રી જાડેજો લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે મેડિકલ ટ્રસ્ટના સભ્યો, હોસ્પિટલના તબીબો અને સ્ટાફ મિત્રો તથા લાભાર્થી
તાલુકા ના ગ્રામ્ય જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા. સેવા ઈન્ટરનેશનલના પ્રતિનિધિ મહેન્દ્ર ભાનાણીએ આભારવિધિ કરી હતી. - લખપત પંથકના
26 ગામોની યાદી : આ મોબાઇલ
મેડિકલ યુનિટ લખપત તાલુકાના નિર્ધારિત 26 ગામો જેમાં ઘડુલી, સિયોત, અટડો, મુધાન, ગુનેરી, મેઘપર, અમિયા, હરોડા, નરા, લખપર, દોલતપર, અસાલડી, સાયન, સમજીયારા, બરંદા, નરેડા,
મુડીયા, જાડવા, લખપત,
કોરિયાણી, કપુરાશી, પુનરાજપર,
કાનેર, પાનેલી, વલકા નાની-મોટા,
ઘડાણી અને રવાપર ને સાપ્તાહિક ધોરણે નિયમિત તબીબી ઓપીડી, રાહત દરે દવાઓ અને પ્રાથમિક નિદાન સેવાઓ પૂરી પાડશે.