• ગુરુવાર, 18 જૂન, 2026

અજમેર દરગાહના કાજીની ધરપકડ : ધર્માંતરણ કરાવી નિકાહનો આરોપ

ગાંધીધામ, તા. 17 : રાપર પોલીસ મથકે અપહરણ, બળાત્કારના પ્રકરણમાં પોલીસે રાજસ્થાન અજમેરના એક કાજીની ધરપકડ કરી છે. તેણે સગીર વયની બાળકીનું ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવ્યા હતા. પકડાયેલા આ શખ્સના 19 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. રાપર પોલીસ મથકે ગત તા. 12/6ના જાહિન અબ્દુલ ચૌહાણ સામે ગુનો નોંધાયો હતો. તેણે કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી, મારઝૂડ કરી હતી અને ધમકીઓ આપી હતી. આ શખ્સની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ શખ્સ કિશોરીને રાજસ્થાનના અજમેર લઇ ગયો હતો, જ્યાં ખ્વાજાસાહેબ દરગાહના ઇમામ, કાજી મોહમ્મદ રમજાન જાનમહોમદે આ સગીરાને ગેરકાયદેસર રીતે ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો અને બાદમાં જાહિન સાથે તેના લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બનાવની ગંભીરતા જોતાં રાપર પોલીસની ટીમ અજમેર દોડી ગઇ હતી અને આ કાજી મોહમદ રમજાનને પકડી પાડયો હતો. તેને કોર્ટમાં રજૂ કરાતાં તેના 19 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. આ પ્રકરણમાં પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021ની કલમ 4(ક), બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની કલમો તથા પોકસોની કલમ 17નો ઉમેરો કર્યો હતો. આ કાર્યવાહીમાં પી.આઇ. આર.એલ. ખટાણા, પી.એસ.આઇ. બી.એ. ઝા, એચ.વી. કાતરિયા વગેરે જોડાયા હતા. 

Panchang

dd