દેશની સર્વોચ્ચ અદાલતે મંગળવારે આપેલા કેટલાક મહત્ત્વના નિર્ણયોની
દૂરોગામી અસર થશે. મહિલા સૈન્ય અધિકારીઓની તરફેણમાં મોટી રાહત આપતાં અદાલતે કહ્યું
કે, શોર્ટ સર્વિસ કમિશન હેઠળ લશ્કર, નૌકાદળ અને વાયુસેનામાં જોડાયેલી મહિલાઓના હક્ક બાબતે મનસ્વી મૂલ્યાંકન થઇ
શકે નહીં. તેઓ કાયમી પેન્શન મેળવવા હક્કદાર છે એ સિવાય અનામત વર્ગના ઉમેદવારને પણ સામાન્ય
બેઠક માટે પાત્ર ગણવાનું નિરીક્ષણ મહત્ત્વનું છે. વ્યાપક અસર કરનાર ત્રીજો ચુકાદો ધર્માંતરણ
અંગેનો છે, અદાલતે કહ્યું કે, કોઇ વ્યક્તિ
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયનો બીજો ધર્મ અંગીકાર કરી લે છે,
તો એનો અનુસૂચિત જાતિનો દરજ્જો
ચાલ્યો જશે, એટલે કે એસ.સી. તરીકે મળતા લાભ કે વિશેષાધિકાર મેળવવાને
પાત્ર નહીં રહે. સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય ઐતિહાસિક છે, ધર્માંતરણ
રોકવામાં ચાવીરૂપ સાબિત થશે. ન્યાયમૂર્તિ પી.કે. મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે, કોઇ બીજા ધર્મમાં ધર્માંતરણ કરવાથી વ્યક્તિનો એસ.સી.નો દરજ્જો તાત્કાલિક અસરથી
સંપૂર્ણપણે સમાપ્ત થઇ જશે. આંધ્રપ્રદેશના એક પાદરીની વિશેષ અનુમતિ અરજી નામંજૂર કરતાં
આ ચુકાદો આપ્યો હતો. પાદરી ચિંતાદા આનંદ પોલે કેટલાક લોકો દ્વારા તેમને મારપીટ કરવા
અને જાતિસૂચક ગાળો આપવા અંગે એસ.સી., એસ.ટી. અત્યાચાર નિવારણ
કાયદા અંતર્ગત કેસ નોંધાવ્યો હતો. આંધ્રપ્રદેશ વડી અદાલતે પોલને પછાત વર્ગના ન માનતાં
આરોપ ખારિજ કરી દીધો હતો એ પછી પોલે નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકારતાં સુપ્રીમે
આંધ્ર હાઇકોર્ટનો તા. 30મી એપ્રિલ, 2025નો આદેશ યથાવત્
રાખતાં કહ્યું કે, તે સ્થિતિ
સ્પષ્ટ છે. અદાલતનો તર્ક સ્પષ્ટ છે કે, જાતિ આધારિત ઉત્પીડન મુખ્યત્વે
એ ધર્મોની સામાજિક સંરચના સાથે જોડાયેલું છે, જ્યાં જાતિ વ્યવસ્થા
અસ્તિત્વ ધરાવે છે, જો કોઇ જણ ઇસાઇ કે ઇસ્લામ જેવા ધર્મ અપનાવે
છે, જ્યાં સૈદ્ધાંતિક રીતે જાતિ વ્યવસ્થા પાળવામાં આવતી નથી એને
અનુસૂચિત જાતિ માટેના વિશેષાધિકારો જેમ કે, શિક્ષણ સંસ્થાઓઁમાં
પ્રવેશ, નોકરીઓમાં અનામત, વિદ્યાર્થીઓને
શિષ્યવૃત્તિ, નાણા નિગમનાં માધ્યમથી રોજગારી માટે સસ્તા વ્યાજે
ધિરાણ ઉપરાંત એસ.સી.-એસ.ટી. અત્યાચાર વિરોધી કાયદાનો લાભ મળી નહીં શકે. આ નિર્ણયનો
પ્રભાવ અનામત વ્યવસ્થા ઉપર પડશે. એવા અનેક લોકો છે, જેણે ધર્મ
પરિવર્તન કરી લીધું છે, પણ હજુએ એસ.સી. પ્રમાણપત્ર ધરાવે છે,
એ કાયદેસર રીતે કોઇ લાભ મેળવવાને પાત્ર નથી રહેતા. બીજી વાત છે એસ.સી.-એસ.ટી.
અત્યાચાર નિવારણ કાનૂન 1989 અંતર્ગત થતા
કેસોની સંખ્યા હવે ઘટશે એમ માની શકાય, એક ચિંતા એ ઊઠે છે કે, ધર્મ પરિવર્તન કરનાર એસ.સી.-એસ.ટી.
સાથે કોઇ ભેદભાવ કે અન્યાય થશે તો એને કાયદાનું રક્ષણ નહીં મળી શકે, આગળ જતાં આવી બાબતોનો કોઇ રસ્તો નીકળી આવશે એવી આશા અસ્થાને નથી. એકંદરે પછાત
વર્ગના લોકોને પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાવાતું હતું તેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી
હવે નિયંત્રણ આવશે એમ માની શકાય.