• શુક્રવાર, 27 માર્ચ, 2026

-તો પચ્છમમાં ત્રણ મીટર સુધીનાં પાણી ફરી વળે...

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 26 : કુદરતી આફતો સાથે કચ્છનો જૂનો નાતો છે. અને ખાસ કરીને ભૂકંપના સૈથી જોખમી ઝોનમાં આપણો જિલ્લો સામેલ છે. ભૂકંપની ગોઝારી અસરોના તો આપણે સૈ સાક્ષી બની ચૂક્યા છીએ તો ધરતીકંપની અસરરૂપે સર્જાતી સુનામીની આપત્તિ પણ ભૂતકાળમાં કચ્છમાં કેર મચાવી ચૂકી છે અને મૂળ કચ્છના કાઠડાના ભૂવિજ્ઞાની સહિતના જાણીતા ભૂસ્તરશાત્રીઓએ લાંબા સંશોધન બાદ તાજેતરમાં જારી કરેલા એક રિસર્ચ પેપરમાં એવું તારણ નીકળ્યું છે કે કચ્છ પર એક તરફ ઈરાન અને પાકિસ્તાનના સમુદ્ર કિનારા નજીકના મકરાન સબડક્શન ઝોન(એમએસઝેડ)માં ભૂકંપ થકી સંભવત: ઓછી માત્રાની સુનામીનો ભય તો છે જ પણ સાથે જ કચ્છના મોટા રણના એક્ટિવ ભૂકંપ લાઈનમાં જે અલ્લાહબંધનો ફોલ્ટ સર્જાયો છે. તેમાં પણ મોટા ભૂકંપની શક્યતાઓ છે અને એમ થાય તો રણમાં સિંદરી લેક અને ખાસ કરીને ચોમાસા અને પછીના દિવસોમાં ભરાતા પાણીમાં  સુનામી સર્જાઈ શકે અને બન્ની, હાજીપીર, લુણા જેવા એ ફોલ્ટના દક્ષિણના મોટા વિસ્તાર ત્રણ મીટર સુધી ડૂબી જાય તેવી ભીતિ છે. ઉપરાંત કચ્છ સહિતના દરિયાકાંઠાઓ પર પણ જળવાયુ પરિવર્તનની અસર તળે સમુદ્રની સપાટી ધીમી ગતિએ વધતી રહી છે ત્યારે કચ્છમાં સ્થાનિક સ્તરે અલગથી અદ્યતન સુનામી અર્લી વોર્નિંગ સિસ્ટમની જરૂરિયાત જોઈ શકાય છે. પશ્ચિમ ભારત (ખાસ કરીને કચ્છ)માં એમએસઝેડ અને સ્થાનિક સિસ્મીક સ્રોત થકી ઐતિહાસિક સુનામી જોખમોનું પુન:મૂલ્યાંકન નામના આ સંશોધનપત્રમાં કચ્છી ભૂવિજ્ઞાની અમદાવાદની એલ.ડી. ઈન્જિનીયરિંગ કોલેજના પ્રાધ્યાપક મહેન્દ્રસિંહ ગઢવી ઉપરાંત આઈઆઈટી કાનપુરના પૃથ્વી વિજ્ઞાન વિભાગના નયન શર્મા અને જાવેદ એન. મલિક, જાપાનના  ટેકનોલોજીના નિષ્ણાત તોશિતાકા બાબા અને તાઈવાનના ભૂકંપ સંશોધક કેન્જી સેટેકે કચ્છ સહિતની પશ્ચિમી સીમાએ ભૂતકાળમાં ભૂકંપ-સુનામીને લીધે સર્જાયેલા ઘટનાક્રમો અને વર્તમાન સમયમાં સુનામીની સંભાવનાઓ અને જોખમોનો અભ્યાસ કરાયો છે. કચ્છમાં એક્ટિવ ફોલ્ટલાઈનોના અનેક અભ્યાસ કરી ચૂકેલા મહેન્દ્રભાઈ કચ્છમિત્રને જણાવે છે કે મકરાન ઝોનની સાથે અમે કચ્છના મોટા રણમાં અલ્લાહબંધની ફોલ્ટ લાઈનના ક્ષેત્રમાં ભૂતકાળમાં થયેલા ભૂકંપો થકી સર્જાયેલી સુનામીની દુર્ઘટનાઓ, તેના પરિણામો અને ભવિષ્યમાં કચ્છના મોટા રણ અને તેની દક્ષિણના વિસ્તારોમાં સુનામીની સંભાવનાઓનો અભ્યાસ અને પૃથક્કરણ કર્યા હતા. સાથે જ એમએસઝેડને પણ આવરી લીધો હતો. - 1945માં કચ્છમાં સુનામીની હળવી લહેરો આવી હતી : મકરાન સબડક્શન ઝોન મોટા ભૂકંપોની શક્યતાઓ ધરાવે છે અને અહીં બહુ દૂરના ભૂતકાળ ઉપરાંત ઈ.સ. 1008, 124, 1897 અને 194પમાં ભૂકંપને લીધે સુનામી સર્જાવાની ઘટના બની હતી. 1945માં મકરાનમાં ભૂકંપ બાદ કચ્છના કાંઠે પણ સુનામીરૂપે એકાદ મીટર સુધીના મોજા ઉછળ્યા હતા પણ મોટી નુક્સાની થઈ હોવાના અહેવાલ નહોતા. પણ સામાન્ય રીતે મકરાનમાં સમુદ્રની અંદર ભૂકંપ થાય તો સુનામી લહેરો કચ્છ સુધી પહોંચે તેમાં થોડા કલાક લાગી જાય એમ છે. 194પમાં લગભગ ચાર કલાકે કોરીક્રીકમાં 40 સેન્ટીમીટરના મોજા ઉછળ્યા હતા. - સુનામીને લીધે હડપ્પીય નગરોનું સ્થળાંતર થયું'તું : લોકલ સોર્સમાં એટલે કે અલ્લાહબંધ ફોલ્ટમાં પણ ભૂકંપને લીધે સુનામીનો ખતરો છે. અને ખાસ તો એવો ભૂકંપ અને સુનામી તો નોંધપાત્ર નુક્સાન કરવાની સાથે ભૈગોલિક સ્થિતિ બદલાવી નાખવા માટે પણ સક્ષમ હોય છે. કચ્છના રણના ફોલ્ટમાં પણ ઇ.સ. પૂર્વે 325 સહિત ભૂતકાળમાં મોટા ભૂકંપો સર્જાઈ ચૂક્યા છે જેને લીધે હડપ્પીય સંસ્કૃતિના નગરોના લોકોએ સ્થળાંતર પણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. કચ્છના રણમાં અગાઉ છીછરો સમુદ્ર હતો. સાથે જ નરા નદીની કેનાલ આવતી હતી. પણ 1819ના મોટા ભૂકંપને પગલે અલ્લાહબંધ પાસે મોટી જમીન ઉચકી આવી અને તેની દક્ષિણે જ્યાં અગાઉ સિંદરીનો કિલ્લો હતો ત્યાં મોટા પાયે પાણી ધસી આવ્યું અને સિંદરી તળાવ સર્જાયું. કિલ્લો થોડો તૂટી ગયો અને બાકીનો તેનો આખો ભાગ ડૂબી ગયો. અલ્લાહબંધવાળા ફોલ્ટમાં અગાઉ 1668માં પણ ભૂકંપ આવી ચૂક્યો છે અને તે એક્ટિવ ફોલ્ટલાઈન છે. તેમાં ભૂકંપ આવે તો સિંદરી લેક ઉપરાંત કચ્છના રણમાં ચોમાસા અને ત્યારબાદના સમયમાં મોટા પાયે ભરાઈ રહેતા સમુદ્ર અને વરસાદના પાણીમાં સુનામી સર્જાઈ શકે. બન્ની ડૂબમાં આવી શકે અને પચ્છમ સહિતના દક્ષિણના વિસ્તારોમાં ત્રણ મીટર સુધી ડૂબમાં આવી શકે તેમ છે. અલબત્ત, સિંદરી તળાવ બારેમાસ ભરાયેલું હોતું નથી પણ વરસાદ, પૂર વખતે ભરાયેલું હોય છે. - સમુદ્ર સપાટી ધીમી ગતિએ વધે છે : સમુદ્રસપાટીની વધઘટનો ઈતિહાસ રસપ્રદ છે. 30000 વર્ષ પહેલાં સમુદ્રસપાટી આજની કરતાં 50 મીટર નીચી હતી. પછી આઠથી દસ હજાર વર્ષના ગાળામાં તે 2પ મીટર નીચી રહી. જે શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનો સમયગાળો કહેવાય છે. પછી તે ઊંચી થવા લાગી અને પ000 વર્ષ પહેલાં આજના કરતાં પાચ મીટર ઊંચી થઈ ગઈ અને ત્યારે કચ્છમાં અનેક સ્થળે છીછરો સમુદ્ર હતો અને જળમાર્ગે ધોળાવીરાથી સુરકોટડા, કાનમેર અને દક્ષિણમાં લોથલ સુધી વેપારો થતા હતા. હવે ક્લાઈમેટ ચેન્જને લીધે બરફો પીગળવા સહિતના પરિબળો સર્જાતાં ફરી બહુ ધીમી ગતિએ સમુદ્ર સપાટી વધી રહી છે. તેની ગતિ વર્ષે બે-ત્રણ સેન્ટીમીટર જેટલી જ હોય છે પણ સેંકડો વર્ષોમાં તેની અસર જોવા મળતી હોય છે. 

Panchang

dd