• શુક્રવાર, 27 માર્ચ, 2026

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કરવું પડશે કેવાયસી ?

નવી દિલ્હી, તા. 26 : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અથવા એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગમાં મોટો બદલાવ આવી શકે છે. કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ્સને ખતમ કરવા માટે કેવાયસી નિયમ લાગુ કરવાની વિચારણા કરી રહી છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા ઉપર નકલી પ્રોફાઈલ, છેતરપિંડી અને સાઈબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો નકલી ઓળખ બનાવીને લોકોને છેતરે છે, પરેશાન કરે છે અને ખોટી જાણકારી ફેલાવે છે. આ કારણે સરકાર હવે આવા એકાઉન્ટસ ઉપર કડકાઈ બતાવવાની તૈયારીમાં છે.  જો નિયમ લાગુ થશે તો યુઝર્સને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં કે ઉપયોગ કરવા માટે પોતાની અસલી ઓળખ વેરિફાઈ કરવી પડશે. આ પ્રક્રિયા બેંક અથવા સિમ કાર્ડ માટે થતા કેવાયસી જેવી જ રહેશે. સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કેવાયસી આધારિત સિસ્ટમ લાગુ કરવાનો વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ એક સંસદીય સમિતિના રિપોર્ટમાં સામે આવ્યો હતો. જેમાં સૂચન આપ્યું હતું કે સોશિયલ મીડિયા, ગેમિંગ અને ડેટિંગ પ્લેટફોર્મ ઉપર કેવાયસી જરૂરી કરવામાં આવે. જો નિયમ લાગુ થશે તો વેરિફિકેશન વિના એકાઉન્ટ બનાવવું કે તેનો  ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે છે.  વર્તમાન સમયે સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઈલ મોટી પરેશાની બની ચૂક્યા છે. જેનો ઉપયોગ ખોટા કામો માટે કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ફર્જી એકાઉન્ટસ મારફતે સાઈબર ક્રાઈમમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વધારે નુકસાન થઈ રહ્યું છે. જો કેવાયસી નિયમ આવશે તો દરેક યુઝરની ઓળખ સરળ બનશે. વધુમાં ફેક એકાઉન્ટ બનાવવું મુશ્કેલ બની જશે. ખોટા કામ કરતા લોકોને ટ્રેક કરવામાં સરળતા આવી શકે છે.  

Panchang

dd