દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક
સીમાચિહ્ન પાર કરતા ચૂંટાયેલી સરકારના વડા તરીકે 8931 દિવસ
પૂરા કર્યા છે. 24 વર્ષ અને 165 દિવસ સુધી સિક્કિમના મુખ્ય પ્રધાન પદે રહેલા પ્રેમકુમાર
ચામાલિંગના વિક્રમને મોદી વળોટી ગયા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે લાગલગાટ ચાર ટર્મ
(2001, 2002, 2007 અને 2012) અને 13 વર્ષ
અને હવે કેન્દ્રમાં વડા પ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળના બીજા વર્ષમાં છે. સત્તામાં
રહેવું અને પ્રધાન સેવક તરીકે સત્તાનું વહન કરવું એ બંને વચ્ચેના ફરકને જાળવી રાખવા
સાથે ભારતીય રાજકારણ, અર્થતંત્ર ઉપરાંત મિલિટરી,
રાજદ્વારી, કાયદાકીય અને સામાજિક ક્ષેત્ર પર મોદીના
ગવર્નન્સે છાપ છોડી છે. રાષ્ટ્રીય સલામતી અને આંતરિક સુરક્ષા તથા માળખાકીય સુવિધાઓ
ઉપરાંત દેશના એકંદર વિકાસમાં તેમના યોગદાનની સાથે ભારત પ્રત્યે જોવાનો વિશ્વનો નવો
દૃષ્ટિકોણ અને નવા ભારતને સાકાર કરતાં નક્કર પગલાં આ કાર્યકાળની ઉપલબ્ધિ કહી શકાય.
ભારતના વડા પ્રધાન બનનાર વ્યક્તિનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ જતું હોય છે,
પણ મોદીએ કરેલાં કામ, લીધેલા નિર્ણયો અને વિકાસવાદને
કારણે આ નામને સોનેરી ચમક અને મૂલ્ય પણ મળ્યું છે. 2013માં નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાન પદનો ચહેરો તો
બન્યા, પક્ષને સફળતા પણ મળી છતાં સાથી પક્ષો પર અવલંબન તો હતું જ.
છેક શરૂઆતથી જ પડકારો અનેક હતા, મુશ્કેલીઓ પારાવાર હતી,
પણ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનાં 13 વર્ષનો અનુભવ અને પકડ અને રાજકીય ઇચ્છાશક્તિના પગલે
વિકાસની ગાડી શરૂઆતથી જ ટૉપ ગિયરમાં રહી છે. ચૂંટાયેલી સરકારના સર્વોચ્ચ હોદ્દા પર
આટલા લાંબા સમય સુધી ટકી રહેલું વિરલ છે, માત્ર ભારતમાં જ નહીં વૈશ્વિક સ્તરે
પણ આવા જૂજ દાખલા છે. રાજકીય પ્રસ્તુતતા અને દાયકાઓ સુધી જનાધાર ટકાવવાની ક્ષમતા વિના
આ શક્ય નથી. મુખ્ય પ્રધાન પછી વડા પ્રધાન બન્યા હોય એવા નેતાઓની યાદી લાંબી છે. તો,
એકથી વધુ વાર વડા પ્રધાન પદે આવનારા પણ ઘણા છે, પણ પાંચ વર્ષના બે કાર્યકાળ પૂરો કરનાર પહેલા બિન-કૉંગ્રેસી નેતા અને દેશની
આઝાદી પછી જન્મ્યા હોય એવા પહેલા વડા પ્રધાન તરીકે નરેન્દ્રભાઈ એકમાત્ર છે. સત્તાનાં
સૂત્રો સંભાળ્યા ત્યારથી જ આર્થિક આત્મનિર્ભરતા પર તેમણે સૌથી વધુ ભાર આપ્યો છે. મેક
ઇન ઇન્ડિયા હોય કે જીએસટીનું અમલીકરણ કે પછી ડિજિટલ પૅમેન્ટની પહેલ હોય, આ બધાની પાછળ સર્વ પ્રથમ દેશને મૂકવાની નિસબત સૌથી આગળ રહી છે. માળખાકીય સુવિધાઓનો
વિકાસ મોદીના ગવર્નન્સનું સીમાચિહ્ન રહ્યું છે. હાઈવે, ઍરપોર્ટ
અને રેલવેમાં થયેલા ફેરફારો તથા ગામડાઓનો વિકાસ જે ગતિથી થયો છે, એ પણ અભૂતપૂર્વ છે. નોટબંધી તો આ પહેલાની સરકારોએ પણ કરી હતી, પણ નરેન્દ્રભાઈએ લીધેલું આ પગલું એક તીરથી અનેક ઊડતાં પંખીને જમીન પર લાવનારું
સાબિત થયું. સૌથી મોટો ફેરફાર મોદીના કાર્યકાળમાં કોઈ થયો હોય તો એ છે, ભારત તરફ જોવાની બહારની દૃષ્ટિ અને ખુદને જોવાની ભારતીયોના દૃષ્ટિકોણમાં થયેલો
ફેરફાર. સર્જિકલ સ્ટ્રાઈક અને હાલમાં જ અૉપરેશન સિંદૂર દ્વારા ભારતે વિશ્વને સંદેશ
આપ્યો કે, અમને છેડશો તો અમે છોડશું નહીં. રામ મંદિર-બાબરી મસ્જિદ
મડાગાંઠનો ઉકેલ હોય કે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની નાબૂદી, મોદી સરકારની મક્કમતા અને મજબૂત ઇચ્છાશક્તિનો
પુરાવો છે. સત્તામાં હોવા છતાં સેવાનો અભિગમ, સૌને સાથે રાખીને
ચાલવાનો સંકલ્પ તથા સર્વસમાવેશક વિકાસનો મંત્ર મોદીજીના 8931 દિવસના કાર્યકાળની ઉપલબ્ધિ ગણવી રહી.