ભુજ,તા. 26 : એલ.એલ.ડી.સી.-ક્રાફ્ટ મ્યુઝિયમ
દ્વારા કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર બાંધણી હસ્તકળા માટે એલ.એલ.ડી.સી.ની ઇન્સ્પિરેશન
ગેલેરીમાં હાલના સિદ્ધ ક્રાફ્ટના બે ભાઈ - અબ્દુલ જબ્બાર અને અબ્દુલ્લાહ ખત્રીના `પહલ'
શોથી પ્રેરિત બાંધણીના કારીગરો સાથે મળી સંવાદનું આયોજન કરાયું હતું,
જેનો મુખ્ય હેતુ બાંધણીના તમામ કારીગરો, ડિઝાઇનરો
અને ડિઝાઇનના વિદ્યાર્થીઓને એક મંચ પર લાવવાનો હતો. આ કાર્યક્રમના પ્રથમ દિવસે એલ.એલ.ડી.સી.ના
ટ્રસ્ટી અમીબેન શ્રોફે અભિવાદન અને આવકાર સાથે સંવાદ વિશે માહિતગાર કર્યા હતા. પ્રથમ
સત્રના મુખ્ય વક્તા તરીકે ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇનર સુનિતા શંકર અને તેમની સાથે વરિષ્ઠ
બાંધણી કારીગરો અલીમોહમ્મદ ઓસમાણ ખત્રી, ગુલામ હુસેન ઓસમાણ ખત્રી, અબ્દુલ હકીમ ખત્રી,
સોનેજી અબ્દુલ અઝીઝ ઉમર, ઇમ્તિયાઝ મોહમ્મદ ઓસ્માન
ખત્રી અને નસરીન ફયાઝ ખત્રી હાજર રહ્યા હતા. આ સાથે વરિષ્ઠ કારીગરો અને ઉપસ્થિત મહેમાનો
દ્વારા `પહલ'
પ્રદર્શનના કેટલોગનું વિમોચન કરાયું હતું. દ્વિતીય સત્રના મુખ્ય વક્તા
તરીકે બંધેજના સ્થાપક અર્ચના શાહ અને તેમની સાથે યુવા કારીગરો અને ઉદ્યોગસાહસિકો તલ્હા
ખત્રી, સામિયા ખત્રી, અહેસાન ખત્રી,
આદિલ ખત્રી, આશિયા ખત્રી અને અબ્દુલ અહદ ખત્રી
પેનલિસ્ટ તરીકે જોડાયા હતા. માસ્ટર કારીગરો દ્વારા બાંધણીનો ઇતિહાસ, મહત્ત્વ અને આજની માર્કેટની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ યુવા
કારીગરો અને ઉદ્યોગસાહસિકો દ્વારા આ હસ્તકળાનું ભવિષ્ય અને મુશ્કેલીઓ પર તેમનાં દૃષ્ટિકોણ
વિશે ઊંડાણમાં ચર્ચા થઈ હતી. બીજા દિવસની શરૂઆત `પહલ'
શોના કો-ક્યુરેટર અવની દેવધર અને અબ્દુલ જબ્બાર ખત્રી દ્વારા `પહલ'
શોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રથમ સત્રના મુખ્ય વક્તાઓ તરીકે
વર્લ્ડ શિબોરી નેટવર્કના સહ-સ્થાપક ડો. યોશિકો વાડા અને 11:11 (દિલ્લી)ના સ્થાપક હિમાંશુ શાની
રહ્યા હતા તેમની સાથે કચ્છ બાંધણીના સ્થાપકો અઝીઝ અને સુલેમાન ખત્રી, હમજા અબ્દુલમજીદ ખત્રી, ઈમરાન અનવર ખત્રી અને અબ્દુલવહાબ ખત્રી પેનલિસ્ટ તરીકે જોડાયા હતા. બીજા સત્રના
મુખ્ય વક્તા ઇન્જરીના સ્થાપક ચિનાર ફારુકી, કેલિકો સેનટોમે ઈન્ડિયાના
સ્થાપક સુમી કોબાયાશી, જાપાનના ટેક્સટાઇલ ડિઝાઇનર શિઓરી મુકાઇ
અને ટીલ્લા (અમદાવાદ)ના સ્થાપક આરાત્રિક દેવ વર્મન રહ્યા હતા. વક્તાઓ દ્વારા જાપાનની
શિબોરી અને કચ્છની બાંધણી વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બાંધણીની વિશેષતા
અને નેચરલ ડાઈનું મહત્ત્વ અને તેમના બાંધણી સાથેના પ્રયોગો ખાસ ચર્ચાના વિષય રહ્યા
હતા. સાથે પ્રથમ શિલ્પગુરુ એવોર્ડ વિજેતા અલીમામદ ખત્રી અને પ્રથમ મહિલા કારીગર ડિઝાઇનર
ઝકિયા ખત્રી ઉપસ્થિતિ રહ્યા હતા. બાંધણીના ઇતિહાસમાં પ્રથમવાર કારીગરો, ડિઝાઇનરો,
ક્રાફ્ટ એનજીઓ, ડિઝાઇનર વિદ્યાર્થીઓએ એક મંચ પર
સાથે આવીને બાંધણી ક્રાફ્ટ વિશે ચર્ચા કરી હતી. 150 લોકોએ એલ.એલ.ડી.સી. ખાતે હાજર
રહીને અને 400 જેટલા લોકોએ ઓનલાઈન જોડાઈને
આ સંવાદમાં ભાગ લીધો હતો. આ સંપૂર્ણ બાંધણી સંવાદનું સંચાલન એલ.એલ.ડી.સી.ના પ્રશિક્ષણ
અને સંશોધન માર્ગદર્શક જુહી પાંડે દ્વારા કરાયું હતું.