નવી દિલ્હી, તા. 26 : પાઈપલાઈન
ઘરની નજીક આવી ગઈ હોય તેવા કિસ્સામાં પીએનજી જોડાણ લેવાનું ફરજિયાત કર્યા બાદ કેન્દ્ર
સરકારે રાંધણગેસના સંબંધમાં વધુ કડક નિયમની ઘોષણા કરી હતી. સરકારે ગુરુવારે જણાવ્યું
હતું કે, હોટલો અને રેસ્ટોરન્ટ્સ તેમનાં બિલમાં એલપીજીનો
ચાર્જ અલગથી નહીં ઉમેરી શકે. એલપીજી સંકટ વચ્ચે કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ
(સીસીપીએ)એ જણાવ્યું હતું કે, હોટલ, રેસ્ટોરન્ટ
સંચાલકોએ પોતાના તમામ ખર્ચને મેનુમાં અપાયેલી કિંમતોંમાં જ સામેલ કરવા પડશે. કોઈ હોટલ
કે રેસ્ટોરન્ટ ગેસની કિંમતોમાં કારણો આપીને અલગથી તેનો ચાર્જ વસૂલશે તો તે નિયમ ભંગ
લેખાશે અને આવાં પગલાં લેનારા સામે કાર્યવાહીની
ચેતવણી સરકારે આપી હતી. સીસીપીએની તપાસમાં જાણવા મળ્યું હતું કે, સર્વિસ ચાર્જ ચેકને બાયપાસ કરવા માટે નવાં નામ સાથે ચાર્જ વસૂલાય છે. આ કૃત્યને
ગ્રાહક અધિકારોનો ભંગ લેખાવતાં ગ્રાહક સુરક્ષા સત્તામંડળે ચેતવણી આપી હતી કે,
આવું જોવા મળશે તો પગલાં લેવાશે.
તેમ છતાં જો કોઈ હોટલ, રેસ્ટોરન્ટ એલપીજી ચાર્જ અલગથી
વસૂલે તો લોકો રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન 1915 પર ફરિયાદ કરી શકે છે.