• શુક્રવાર, 27 માર્ચ, 2026

વીડીમાં ખાણ પાસેનાં તળાવમાં યુવાન ડૂબ્યો

ગાંધીધામ / ભુજ, તા. 26 : અંજારના વીડીમાં ખાણના ખાડામાં ડૂબી જતાં રમેશ ધનજી હડિયા (ઉ.વ. 45)એ જીવ ખોયો હતો તેમજ ભચાઉના ચોપડવામાં તોમસ રામચંદ્રન મહાલી (ઉ.વ. 45) પાણીના ટાંકામાં ડૂબી જતાં મોતને ભેટયો હતો. બીજી બાજુ ગાંધીધામ ચુંગીનાકા પાસે આગળ જતાં ટ્રેઈલરમાં પાછળથી ડમ્પર ભટકાતાં ડમ્પરચાલક દેવા રાણા રબારી (ઉ.વ. 42) નામના યુવાનનું મોત થયું હતું. જ્યારે મુંદરા તાલુકાના કુંદરોડી પાસે આવેલી કંપનીમાં હાઈડ્રો મશીનનો હૂક તૂટતાં તે 34 વર્ષીય યુવાન રાજકુમાર વીરશી પર પડતાં માથાંમાં ગંભીર ઈજાનાં પગલે તેનું મોત નીપજ્યું હતું. અંજારના વીડીમાં ઈસ્માઈલની ખાણના તળાવ (ખાડા)માં ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. વીડીમાં રહેનારા રમેશ હડિયા આ ખાણ બાજુ હતો દરમ્યાન કોઈ કારણોસર પાણી ભરેલાં તળાવમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું તેમજ ચોપડવાની કેમફૂડ કંપનીની કોલોની પાછળ ગઈકાલે બપોરે બનાવ બન્યો હતો. આ શ્રમિક વસાહતમાં રહેનાર તોમસ નામનો યુવાન કંપની કોલોની પાછળ કોઈ કામસર ગયો હતો. જ્યાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. વધુ એક જીવલેણ બનાવ ગાંધીધામમાં ચુંગીનાકા ઓવરબ્રિજ પર બન્યો હતો. વોંધમાં રહેનાર દેવા રબારી નામનો યુવાન ડમ્પર નંબર જી.જે. -39-ટીએ-6412વાળું લઈને જઈ રહ્યો હતો તે ઓવરબ્રિજ ઉપર પહોંચ્યો હતો તેવામાં આગળ જતાં ટ્રેઈલર નંબર જી.જે. -12-એઝેડ-5145ના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતું ડમ્પર તેમાં અથડાયું હતું જેમાં ડમ્પરચાલક દેવાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું. ટ્રેઈલરચાલક સામે પપુ રાણા રબારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કુંદરોડી પાસે આવેલી આદી શક્તિ કંપનીમાં જ રહેતા એવા રાજકુમાર વીરશી ગઈકાલે કંપનીમાં જ હાઈડ્રો મશીન વડે લોડર લગાવી રહ્યો હતો ત્યારે હાઈડ્રોનો હૂક તૂટતાં તે રાજકુમારનાં માથાં પર પડયો હતો. આથી માથાંમાં ગંભીર ઈજા પહોંચતાં તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પ્રાગપર પોલીસ મથકે વિગતો જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. - હમીરસરમાંથી મળેલી એ લાશ ભુજના માનસિક અસ્વસ્થ વૃદ્ધની : ગઈકાલે સાંજે ભુજના હમીરસરમાંથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી હતી. એ વૃદ્ધ 75 વર્ષીય ભરત વીરજી સચદે (રહે. જાદવજીનગર, ભુજ)ની હોવાની સામે આવ્યું છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે મૃતક ભરતભાઈના પુત્ર કલરવે જાહેર કરેલી વિગતો મુજબ તેમના પિતા ભરતભાઈની માનસિક સ્થિતિ બરોબર ન હતી. છેલ્લા પંદર-વીસ વર્ષથી માનસિક રોગની દવા ચાલુ હતી. તા. 25/3ના સાંજે ઘરેથી નીકળી ગયા હતા અને હમીરસરમાં ડૂબી જતાં તેને જી.કે. જનરલ હોસ્પિટલ લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જોહર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

Panchang

dd